પીએમ મોદીના જૂના નિવેદનને લઈ શરદ પવારે મોદીની કરી ટીકા
બારામતી: ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે અને વિરોધ પક્ષ દ્વારા પણ પૂરજોરમાં પ્રચાર શરૂ થઇ ચૂક્યો છે. એનસીપી (શરદચંદ્ર પવાર) દ્વારા બારામતીમાં સોમવારે પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું હતું.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના પ્રમુખ શરદ પવારની આંગળી પકડીને રાજકારણમાં આવવા સંબંધી નરેન્દ્ર મોદીના 2016ના નિવેદનનો ઉલ્લેખ કરતા શરદ પવારે કહ્યું હતું કે હવે વડા પ્રધાનનું વલણ અલગ છે. પવારે લોકસભાની ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રમાં બારામતી લોકસભાના વિસ્તારને સંબોધતા વ્યક્તિગત હુમલા અને અલગ વિચારધારા રાખનારા સામે કાર્યવાહી કરવા મુદ્દે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું.
તેમણે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની થયેલી ધરપકડનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જ્યારે હું કેન્દ્રીય કૃષિ પ્રધાન હતો ત્યારે મેં કોઇ પણ જાતના પક્ષપાત વિના ગુજરાતના તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની મદદ કરી હતી.
આપણ વાંચો: શરદ પવારે જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી: પંકજા મુંડે સામે અજિત પવાર જૂથના બળવાખોરો
જોકે, આજે એ જ વ્યક્તિ મારી વિરુદ્ધ વ્યક્તિગત નિવેદનો આપી રહી છે. જો આજે કોઇ વડા પ્રધાન વિરુદ્ધ ટિપ્પણી કરે છે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને વડા પ્રધાન વિરુદ્ધ નિવેદન આપ્યું તો તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા.
તેમના વિરુદ્ધ બોલનારા અરવિંદ કેજરીવાલને પણ જેલ મોકલાવી દેવામાં આવ્યા. આ લોકશાહી નહીં, પરંતુ સરમુખત્યારશાહી છે. આજે સત્તા મોદીના હાથમાં કેન્દ્રીત થઇ ગઇ છે અને આ સત્તા તેમનાથી મુક્ત કરાવવાની જરૂર છે, તેમ શરદ પવારે કહ્યું હતું.
શરદ પવારે બારામતીમાં પ્રચાર કરતા વખતે આ નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે બારામતીથી તેમના પુત્રી સુપ્રિયા સુળેને મહાવિકાસ આઘાડી (એમવીએ) દ્વારા ઉમેદવાર તરીકે ઊભા રાખવામાં આવ્યા છે.