શરદ પવારે ભત્રીજાને ફોન કર્યો
પુરંદર એરપોર્ટ સામેના વિરોધને સમાપ્ત કરવા માટે બેઠક બોલાવવા જણાવ્યું

પુણે: પ્રસ્તાવિત પુરંદર એરપોર્ટ માટે જમીન સંપાદનનો વિરોધ કરી રહેલા ખેડૂતોના એક જૂથે પુણેમાં એનસીપી (એસપી)ના વડા શરદ પવારને મળીને રાજ્ય સરકાર સમક્ષ તેમની ચિંતાઓ ઉઠાવવા વિનંતી કરી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે પવારે તેમની મુલાકાત દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને ફોન કર્યો હતો અને તેમની હાજરીમાં આ મુદ્દાને ઉકેલવા માટે બેઠક બોલાવવા જણાવ્યું હતું.
‘નાયબ મુખ્ય પ્રધાન અમારા જિલ્લાના પાલક પ્રધાન પણ છે. તેઓ આવતા અઠવાડિયે મુંબઈમાં એક બેઠક યોજવા સંમત થયા હતા જેમાં જિલ્લા કલેક્ટર અને અન્ય અધિકારીઓ પણ હાજરી આપશે,’ એમ ખેડૂત પ્રતિનિધિમંડળના સભ્ય દત્તાત્રય ઝુરંગેએ જણાવ્યું હતું.
પવારે તેમને ખાતરી પણ આપી હતી કે તેઓ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરશે. ‘પવાર સાહેબે શરૂઆતમાં મુખ્ય પ્રધાનને જ ફોન કર્યો હતો, પરંતુ તેઓ બેઠકમાં વ્યસ્ત હતા. તેથી તેમણે અજિત પવારને ફોન કર્યો,’ એમ ઝુરંગેએ જણાવ્યું હતું.
આ મહિનાની શરૂઆતમાં મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ ખેડૂતોને તેમની માંગણીઓ રજૂ કરવા વિનંતી કરી હતી, પરંતુ સ્પષ્ટ કર્યું હતું કે એરપોર્ટ માટે જમીનનો ઇનકાર કરવો વ્યવહારુ વિકલ્પ નથી. ખેડૂતો તેમની જમીન આપવાનો સખત વિરોધ કરી રહ્યા છે અને તેમના વિરોધને કારણે પ્રસ્તાવિત એરપોર્ટ માટેનો ડ્રોન સર્વે અટકી ગયો છે.
અન્ય એક ખેડૂત સંતોષ હગવાણેએ જણાવ્યું હતું કે, ‘લગભગ 850થી 1,000 ખેડૂતો વિસ્થાપિત થશે. અમે તેમના પુનર્વસન અંગે ચિંતિત છીએ. પવાર સાહેબે મુખ્ય પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન નવી મુંબઈમાં ખેડૂતોને ઓફર કરાયેલ વળતર યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ અમારા કેસ માટે સમાન મોડેલ લાવી શકે છે.’