આમચી મુંબઈમહારાષ્ટ્ર
માનસિક અસ્થિર સગીરાની જાતીય સતામણી: યુવકની ધરપકડ

થાણે: અંબરનાથમાં માનસિક અસ્થિર 14 વર્ષની સગીરાની જાતીય સતામણી કરવા બદલ યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ હરીશ રાજુ સેંગલ (26) તરીકે થઇ હોઇ તેની વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ) એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આરોપી 10 જૂને સગીરાને ભુવાપાડા વિસ્તારમાં ઘરની નજીક ખાલી રૂમમાં લઇ ગયો હતો, જ્યાં તેની જાતીય સતામણી કરવામાં આવી હતી. આરોપીએ જબરજસ્તીથી ચુંબન કર્યું હતું અને તેને અયોગ્ય સ્પર્શ કર્યો હતો.
સગીરાએ ઘરે જઇને પરિવારજનોને તમામ હકીકત જણાવ્યા બાદ અંબરનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને સેંગલની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)