આમચી મુંબઈ

ડેટિંગ ઍપ પર મિત્રતા પછી મહિલા ડૉક્ટરની જાતીય સતામણી: યુવક વિરુદ્ધ ગુનો

ગર્ભપાત માટે દબાણ કરી અંગત તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરીની જાણીતી હૉસ્પિટલની મહિલા ડૉક્ટર સાથે ડેટિંગ ઍપ પર મિત્રતા કર્યા પછી તેની કથિત જાતીય સતામણી કરવા બદલ પોલીસે દક્ષિણ મુંબઈના ડોંગરી પરિસરમાં રહેતા યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ગર્ભપાત માટે દબાણ કરીને યુવકે અંગત તસવીરો પરિવારજનો તેમ જ સોશ્યલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કરાયો હતો.

રાયગડ જિલ્લાની વતની અને અંધેરીની હૉસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતી 28 વર્ષની ડૉક્ટરે નોંધાવેલી ફરિયાદને આધારે એમઆઈડીસી પોલીસે ગુરુવારે ખાલિદ ખાનયારી (27) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર અંધેરીની હૉસ્પિટલમાં કામ કરતી ફરિયાદીની ઓળખાણ એક ડેટિંગ ઍપ મારફત આરોપી સાથે થઈ હતી. બન્ને વચ્ચે મિત્રતા થતાં ઑક્ટોબર, 2023માં આરોપી ફરિયાદીને મળવા આવ્યો હતો. તે સમયે નવી મુંબઈની હૉસ્પિટલમાં કામ કરતી ફરિયાદી ત્યાંના ફ્લૅટમાં રહેતી હતી. 2023માં પહેલી વાર આરોપી અને ફરિયાદી વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. પછી આરોપી વારંવાર ફરિયાદીને મળવા આવતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. તે સમયે આરોપીએ મોબાઈલ ફોનથી અંગત પળોની તસવીરો પાડી લીધી હતી.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે માર્ચ, 2025માં ફરિયાદી ગર્ભવતી હોવાની જાણ થતાં આરોપીએ તેને ગર્ભપાત માટેની દવા આપી હતી. દવા લીધા પછી ફરિયાદીનું સ્વાસ્થ્ય બગડ્યું હતું, જેને પગલે ડૉક્ટરે તેને શસ્ત્રક્રિયાની ભલામણ કરી હતી. આ વાતની જાણ થતાં આરોપી ફરિયાદીની અવગણના કરવા લાગ્યો હતો.
આરોપીએ કૉલ રિસીવ કરવાનું બંધ કરતાં ફરિયાદી તેના ઘરે પહોંચી હતી. આરોપીનાં માતા-પિતાને ફરિયાદીએ તેમના સંબંધો વિશે જાણ કરી હતી. આરોપીનાં બીજી યુવતી સાથે લગ્ન નક્કી થયાં હોવાની જાણ થતાં ફરિયાદીએ એ યુવતીને ફોન કરી હકીકત જણાવી હતી.

આ પણ વાંચો -‏‏‎ દારૂ પીતી વખતે થયેલા વિવાદમાં વૃદ્ધની હત્યા: આરોપી પકડાયો

પરિણામે આરોપી ગિન્નાયો હતો. લાઈફ બદરબાદ કરી હોવાનું કહી આરોપીએ અંગત તસવીરો સોશ્યયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. એ જ તસવીરો ફરિયાદીનાં માતા-પિતાને પણ મોકલવાની ચીમકી આરોપીએ આપી હતી, એવું ફરિયાદમાં જણાવાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh C Patel

મુંબઈ-સિટી-ડેસ્ક તેઓ દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક… More »
Back to top button