કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પુત્રવધુનો ભાજપમાં પ્રવેશ, મરાઠાવાડ પર ભાજપની નજર

મુંબઈઃ લોકસભાની ચૂંટણી સામે છે ત્યારે પૂર્વ કેન્દ્રિય ગૃહપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શિવરાજ પાટિલની પુત્રવધુ અર્ચના પાટીલે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે.
મુંબઈમાં શનિવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ અને ભાજપના રાજ્ય પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેની હાજરીમાં અર્ચના પાટિલે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. શિવરાજ પાટિલ જેઓ મહારાષ્ટ્રના મરાઠાવાડ લાતૂરમાંથી જીત મેળવી હતી અને યુપીએની સરકાર દરમિયાન કેન્દ્રિય ગૃહપ્રધાન પદ પર સેવા આપી હતી, મુંબઈમાં 26-11ના હુમલા બાદ તેમને પોતાનું પદ છોડવાની ફરજ પડી હતી. જો કે એક સમયે તેમણે લોકસભા સ્પિકર તરીકેની પણ સેવા આપી હતી.
કાર્યક્રમમાં પોતાનો પક્ષ રાખતા દેવેન્દ્ર ફડણવિસે જણાવ્યું હતું કે અર્ચના પાટિલ સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે અને ભાજપમાં તેમના જોડાવાથી પાર્ટીને મરાઠાવાડ અને લાતૂરમાં મદદ મળશે. આ પગલુ મરાઠાવાડ રીજનમાં ભાજપને મજબૂત કરવા માટે પણ અગત્યનું પગલુ ગણવામાં આવી રહ્યું છે. મરાઠાવાડના નાંદેડથી ભારે બહુમતીથી જીત મેળવનાર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અશોક ચવ્હાણે પણ ગયા મહિને ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
અર્ચના પાટિલે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા બે દાયકાથી તેમના પ્રદેશમાં સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે અને હવે રાજકરણમાં પ્રવેશ મેળવવાના હેતુંથી ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે.