સિનિયર સિટીઝનોને વાતોમાં ભોળવી દાગીના પડાવનારો નાશિકમાં પકડાયો | મુંબઈ સમાચાર

સિનિયર સિટીઝનોને વાતોમાં ભોળવી દાગીના પડાવનારો નાશિકમાં પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
સિનિયર સિટીઝનોને વાતોમાં ભોળવી દાગીના પડાવનારો બોલબચ્ચન ગૅન્ગના સભ્યને અંધેરી પોલીસે નાશિકના ઈગતપુરીથી પકડી પાડ્યો હતો. 40થી વધુ ગુનામાં સંડોવાયેલો આરોપી સાત મહિના અગાઉ જ જેલમાંથી છૂટ્યો હતો.
ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ મુનાવર ઉર્ફે અન્વર અબ્દુલ હમીદ શેખ (50) તરીકે થઈ હતી.

કુર્લા પૂર્વના કુરેશી નગરમાં રહેતા શેખ વિરુદ્ધ અનેક કોર્ટે વૉરન્ટ અને બિનજામીનપાત્ર વૉરન્ટ જારી કર્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ 15 જુલાઈની સવારે અંધેરી પૂર્વમાં તેલી ગલી ક્રોસ રોડ પરથી વૃદ્ધા ચાલતી પસાર થઈ રહી હતી ત્યારે આરોપી તેની નજીક આવ્યો હતો. વૃદ્ધાને વાતોમાં પરોવી રાખી આરોપીએ તેની સોનાની ચેન જોવા લીધી હતી.

આપણ વાંચો: સિનિયર સિટિઝનોને માર્ગમાં રોકીને હાથચાલાકીથી તેમના દાગીના પડાવનારો પકડાયો

દમાં આરોપી ચેન સાથે રફુચક્કર થઈ ગયો હતો. આ પ્રકરણે વૃદ્ધાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોપીએ સીસીટીવી કૅમેરાથી બચવા માટે જાણીજોઈને છત્રી ખુલ્લી રાખી હતી.

છત્રીને કારણે તેનો ચહેરો ફૂટેજમાં સ્પષ્ટ દેખાતો નહોતો. પોલીસે પાંચ દિવસ સુધી આરોપીના જવાના માર્ગ પરના કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. આખરે ઓળખ થતાં તે રેકોર્ડ પરનો આરોપી હોવાનું તપાસમાં જણાયું હતું.

શેખ ટ્રેનથી પશ્ર્ચિમ બંગાળ જઈ રહ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે નાશિક રેલવે પોલીસને જાણ કરાઈ હતી. ઈગતપુરી સ્ટેશને પોલીસે તેને તાબામાં લીધો હતો. 40થી વધુ ગુનામાં સંડોવાયેલો શેખ ડિસેમ્બર, 2024માં જ જામીન પર જેલમાંથી બહાર આવ્યો હતો. તેની પૂછપરછમાં છ ગુના ઉકેલાયા હોવાનો દાવો પોલીસે કર્યો હતો.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button