ભાયંદરમાંં સિનિયર સિટિઝનની હત્યા
બે સગીર પકડાયાં કામના સ્થળે કાયમ ગાળો આપતો હોવાથી હત્યા કરી મૃતદેહ ઝાડીઝાંખરામાં ફેંકી દીધો

મુંબઈ: ભાયંદરમાં 75 વર્ષના સિનિયર સિટિઝનની મહિના અગાઉ થયેલી હત્યાનો કેસ પોલીસે ઉકેલી કાઢી બે સગીર અને સગીરાને પકડી પાડ્યાં હતાં. મૃતક કામના સ્થળે કાયમ ગાળો આપતો હોવાથી બંનેએ રોષે ભરાઇને માથામાં પથ્થર ફટકારીને હત્યા કર્યા બાદ મૃતદેહને ઝાડીઝાંખરમાં ફેંકી દીધો હતો, એવું તપાસમાં જણાયું હતું.
બોરીવલીમાં રહેતો કિશોર બ્રિજમોહન મિશ્રા (75) નાયગાવ પૂર્વમાં ટિવરી રોડ પર સ્ટોલ ધરાવતો હતો. 15 ફેબ્રુઆરીએ મિશ્રા ઘરેથી નીકળ્યા બાદ રાતે પાછો ફર્યો નહોતો. મિશ્રાની શોધ ચલાવ્યા છતાં તેનો કોઇ પત્તો ન લાગતાં નાયગાંવ પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મિશ્રાનો મોબાઇલ પણ બંધ હોવાથી તેને શોધવો મુશ્કેલ હતો.
આપણ વાંચો: મોઢામાં ટૉવેલનો ડૂચો માર્યા પછી ગળું દબાવી પત્નીની હત્યા કરનારો પકડાયો
દરમિયાન મિશ્રાને શોધવા પોલીસની બે ટીમ તૈયાર કરાઇ હતી. પોલીસ ટીમે નાયગાવ પૂર્વથી લઇ ભાયંદર સુધી સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. એક ફૂટેજમાં સગીરા સાથે મિશ્રા ભાયંદર સ્ટેશનથી બહાર આવતો નજરે પડ્યો હતો. પોલીસે આ ફૂટેજને આધારે બંનેની શોધ ચલાવી હતી અને સગીરા તથા તેના સગીર મિત્રને શોધી કાઢ્યાં હતાં.
બંનેની પૂછપરછમાં એવું સામે આવ્યું હતું કે મિશ્રા કામના સ્થળે કાયમ સગીરાને ગાળો આપતો હોવાથી સગીરાના મનમાં રોષ હતો. આથી તેણે મિત્ર સાથે મળીને મિશ્રાનો કાંટો કાઢવાનું નક્કી કર્યું હતું. તેમણે મિશ્રાને ભાયંદરમાં ઉત્તન પોલીસ સ્ટેશનની હદમાં દરગાહ નજીક બોલાવ્યો હતો, જ્યાં માથામાં પથ્થર ઝીંકી તેની હત્યા કરવામાં આવી હતી અને બાદમાં મૃતદેહને ઝાડીઝાંખરામાં ફેંકી દેવામાં આવ્યો હતો.