આમચી મુંબઈ

ગોલ્ડ ટ્રેડિંગને બહાને સિનિયર સિટીઝન પાસેથી 1.4 કરોડ રૂપિયા પડાવ્યા

થાણે: ગોલ્ડ ટ્રેડિંગ સ્કીમમાં રોકાણ પર 15 ટકા વળતરની લાલચ બતાવી 62 વર્ષના સિનિયર સિટીઝન પાસેથી 1.4 કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા હોવાની ઘટના થાણેમાં બનતાં પોલીસે બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. વાગળે એસ્ટેટ ડિવિઝનના અધિકારીએ જણાવ્યું હતું કે સિનિયર સિટીઝનની ફરિયાદને આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર કથિત છેતરપિંડી 11 એપ્રિલથી 19 મે દરમિયાન થઈ હતી. ક્ધસલ્ટન્ટ એવા ફરિયાદીને સોનાની ખાણ અને ટ્રેડિંગ સ્કીમમાં નાણાં રોકવા આરોપીએ લલચાવ્યો હતો. સોનાની ખાણમાં રોકાણ પર મહિનાની નક્કી કરેલી આવક મળશે અને ગોલ્ડ ટ્રેડમાં રોકાણ પર 15 ટકાનું વળતર મળવાની ખાતરી આરોપીએ આપી હતી.

આરોપીઓની સૂચનાને અનુસરી ફરિયાદીએ વિવિધ બૅન્ક ખાતાંમાં 1.4 કરોડથી વધુ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે રોકેલાં નાણાં પર ફરિયાદીને કોઈ વળતર આપવામાં આવ્યું નહોતું. વળતર માટે ફરિયાદીએ વારંવાર આરોપીઓ સંપર્ક સાધ્યો હતો. આરોપીઓ ફરિયાદીના કૉલ રિસીવ કરતા નહોતા અને યોગ્ય જવાબ પણ આપતા નહોતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ પ્રકરણે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. ફરિયાદીએ જે બૅન્ક ખાતાંમાં નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં તેની વિગતોને પોલીસ ચકાસી રહી છે.
(પીટીઆઈ)

આ પણ વાંચો…ડિજિટલ અરેસ્ટનો ડર બતાવી 3.56 કરોડ રૂપિયા પડાવ્યા: ભરૂચના ત્રણ સહિત આઠની ધરપકડ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button