મહારાષ્ટ્રમાં બાળકોની સુરક્ષા જોખમમાં? 60,000 ગેરકાયદે સ્કૂલવાન હોવાનો ખુલાસો…

મુંબઈઃ મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે વિધાનસભામાં એક ચોંકાવનારા ખુલાસામાં જણાવ્યું હતું કે રાજ્યમાં લગભગ 60 ટકા સ્કૂલ વાન અને બસ યોગ્ય પરમિટ કે સલામતી તપાસ વિના ગેરકાયદે રીતે ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં આશરે એક લાખ સ્કૂલ ટ્રાન્સપોર્ટ વાહનોમાંથી 60,000 અનધિકૃત છે, જેના કારણે વિદ્યાર્થીઓની સલામતી અંગે વ્યાપક ચિંતા ઉભી થઈ છે.
મુંબઈમાં અનધિકૃત સ્કૂલ વાનની સંખ્યા 15,000
કાયદા મુજબ શાળાના વાહનોમાં માન્ય નોંધણી પ્રમાણપત્ર, ફિટનેસ પ્રમાણપત્ર, વીમો, પીયુસી, પ્રાથમિક સારવાર કીટ, અગ્નિશામક ઉપકરણ અને તાલીમ પામેલી મહિલા સહાયક હોવી આવશ્યક છે. જોકે, મોટા ભાગની ગેરકાયદે વાન આ બધી આવશ્યકતાઓનું ઉલ્લંઘન કરે છે. એકલા મુંબઈમાં જ આવી અનધિકૃત સ્કૂલ વાનની સંખ્યા 15,000 છે, જેની પર કોઈ વ્યવસ્થિત કાર્યવાહી થતી દેખાતી નથી.

સ્કૂલ ટ્રાન્સપોર્ટ નીતિ લાગુ કરવામાં નિષ્ફળ
રાજ્યમાં ગયા વર્ષે ફક્ત 7,206 વાહનો પર કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમને 4.92 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જે આંકડો સમુદ્રમાં એક ટીપું સમાન હોવાનું સામાજિક કાર્યકર્તાઓ કહે છે. સ્કૂલ બસ ઓનર્સ એસોસિએશન (SBOA)ના પ્રમુખ અનિલ ગર્ગે લાંબા સમયથી વચન આપેલ વ્યાપક સ્કૂલ ટ્રાન્સપોર્ટ નીતિ લાગુ કરવામાં નિષ્ફળ રહેવા બદલ સરકારની ટીકા કરી હતી.

બાળકોને લઈ જતી સ્કૂલ વાન પર કેમ કાર્યવાહી નહીં?
તેમણે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ગેરકાયદેસર વાન સફેદ નંબર પ્લેટ સાથે ઘણીવાર ઓવરલોડેડ, મહિલા એટેન્ડન્ટ્સ વિના અને મૂળભૂત સલામતીનાં પગલાં વિના કેવી રીતે કાર્યરત રહે છે? “પરમિટના ઉલ્લંઘન બદલ ઓલા અને ઉબેર પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ આપણા બાળકોને લઈ જતી સ્કૂલ વાન પર કેમ નથી કરવામાં આવતી? શું આ માત્ર બેદરકારી છે કે સિસ્ટમ બીજી રીતે જોઈ રહી છે?” તેમણે પૂછ્યું.

સ્કૂલ વાનમાંથી બે નર્સરીના બાળક પડ્યાં હતાં
સ્કૂલ વાહનને લગતી ઘણી ચિંતાજનક ઘટનાઓ સતત સામે આવી રહી છે, જેમાં અંબરનાથમાં એક કિસ્સો પણ સામેલ છે જ્યાં દરવાજામાં ખામી હોવાને કારણે બે નર્સરીના બાળકો ભીડવાળી સ્કૂલ વાનમાંથી પડી ગયા હતા. અન્ય કિસ્સાઓમાં, આવા વાહનોમાં દેખરેખના અભાવે છેડતી અને નાનાબાળકોને જોખમમાં મૂકવાના કિસ્સાઓ બન્યા છે. આરટીઓ, પરિવહન વિભાગ અને ગૃહ મંત્રાલય સહિત અધિકારીઓને 40 થી વધુ ઔપચારિક પત્રો મોકલવામાં આવ્યા હોવા છતાં, કોઈ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી નથી.