સ્પીડમાં દોડતી સ્કૂલ વૅનનો પાછલો દરવાજો ખૂલી જતાં બે બાળક રસ્તા પર ફંગોળાયા!

થાણે: સ્કૂલ વૅનમાંથી ફંગોળાયેલા બે બાળક રસ્તા પર પટકાયા હોવાની અંબરનાથમાં બનેલી ઘટનાથી વાલીઓમાં ડર ફેલાઈ ગયો હતો. પૂરપાટ વેગે દોડતી વૅનનો એકાએક પાછલો દરવાજો ખૂલી જતાં બાળકો બહારની તરફ ફંગોળાઈ ગયા હોવાનું પોલીસનું કહેવું છે.
અંબરનાથ શહેરમાં સોમવારની સવારે બનેલી આ ભયાનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
ઘટનાને જોનારા રિક્ષા ડ્રાઈવરે પોલીસને આપેલી માહિતી અનુસાર બાળકો બસમાંથી રસ્તા પર પટકાયા બાદ પણ ડ્રાઈવરે વૅન ઊભી રાખી નહોતી. તેણે વૅન દોડાવવાનું ચાલુ જ રાખ્યું હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આપણ વાંચો: સ્કૂલ વૅનમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટનાથી વાલીઓ ભડક્યા: શાળા બહાર વિરોધ પ્રદર્શન…
રિક્ષા ડ્રાઈવર અને અન્ય રાહદારીઓએ પીછો કરી વૅનને ઊભી રખાવી હતી. બાદમાં રસ્તા પર પટકાયેલા બન્ને બાળકને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ઘટનાને પગલે વૅનના ડ્રાઈવરને તાબામાં લઈ તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને મોટર વેહિકલ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ઘટનાને પગલે અનેક લોકો એકઠા થઈ ગયા હતા. ખાનગી સ્કૂલ વૅન દ્વારા વારંવાર બેદરકારીની ઘટનાઓ સામે આવતી હોવાથી લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને કડક પગલાં લેવાની માગણી કરી હતી. (પીટીઆઈ)