SBIના ગ્રાહકો ધ્યાન આપો: આ દિવસે બેંકની UPI સેવા બંધ રહેશે, જાણો લેવડદેવડનો વિકલ્પ

મુંબઈ: આજના સમયમાં મોટાભાગના લોકો UPI સેવાનો ઉપયોગ કરવા લાગ્યા છે. પરંતુ ઘણીવાર UPI સેવા કામ કરતી નથી. બેંકનું સર્વર ડાઉન હોવાને કારણે આ મુશ્કેલી સર્જાય છે. જેથી ગ્રાહકો મૂંઝવણમાં મૂકાય છે. ગ્રાહકો મુશ્કેલીમાં ન મૂકાય તે માટે હવે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ(SBI) અગાઉથી જ UPI સેવા બંધ રહેશે એવી જાહેરાત કરી છે.
SBIની UPI સેવા ક્યારે બંધ રહેશે?
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ લખીને જણાવ્યું છે કે, “6 ઓગસ્ટની સવારે 1:00 વાગ્યાથી 1:20 સુધી માત્ર 20 મિનિટ માટે UPI સેવા બંધ રહેશે. આ દરમિયાન ગ્રાહકો UPI સેવાનો ઉપયોગ નહીં કરી શકે. પરંતુ તેના વિકલ્પ રૂપે બેંક UPI લાઇટનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. અમારા ગ્રાહકોની અસુવિધા બદલ અમને ખેદ છે.”
આપણ વાંચો: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ફિક્સ્ડ ડિપોઝિટના રોકાણકારોને આંચકો આપ્યો, વ્યાજ દર ઘટાડ્યા
UPI લાઇટ કેવી રીતે કામ કરે છે?
જો તમે SBIના ગ્રાહક છો અને UPI લાઇટનો ઉપયોગ કરવા માંગો છો, તો તમારે કોઈપણ UPI એપ્લિકેશનમાં UPI લાઇટનો વિકલ્પ પસંદ કરીને જરૂરી જાણકારી ભરવાની રહેશે.
એકવારમાં જ્યારે તમે રૂ. 500થી 1,000 સુધીની રકમ જોડીને SBI એકાઉન્ટની પસંદગી કરો અને પીન દાખલ કરો. તમારું UPI લાઇટ સક્રિય થઈ જશે. ત્યારબાદ તમે તેમાં પૈસા જમા કરી શકો છો. જોકે, UPI લાઇટની કેટલીક મર્યાદાઓ પણ છે.
આપણ વાંચો: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એમએસ ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા
UPI લાઇટથી તમે એકવારમાં ફક્ત 1,000 રૂપિયાની લેવડદેવડ કરી શકો છો. UPI લાઇટ વોલેટની કુલ મર્યાદા પણ રૂ. 5,000 સુધીની હોય છે. એનો અર્થ એમ થાય છે કે, આ વોલેટમાં તમે રૂ. 5,000 રાખી શકો છો અને એક વખત રૂ. 1,000 સુધીની લેવડદેવડ કરી શકો છો.
નાના અને ક્વિક ટ્રાન્ઝેક્શન માટે UPI લાઇટ તૈયાર કરવામાં આવ્યું છે. આ સુવિધા મુખ્ય UPI નેટવર્ક પર નિર્ભર રહેતી નથી. તેના માટે રિયલ-ટાઇમ બેંક પ્રોસેસિંગની જરૂર પડતી નથી. જેથી ટ્રાન્ઝેક્શન ફેલ થવાની સંભાવના પણ મહદંશે ઘટી જાય છે. તેથી જ્યારે બેંકની મુખ્ય સેવાઓ બંધ રહે છે, ત્યારે પણ UPI લાઇટથી લેવડદેવડ કરી શકાય છે.