બોલો, મુંબઈ મેરેથોનમાં થઈ હતી આની ચોરી, પોલીસે છ જણની કરી ધરપકડ

મુંબઈ: રવિવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી શરૂ થયેલી ટાટા મુંબઈ મેરેથોનમાં અંદાજે 60,000 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. મેરેથોનમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને મેડલ આપવામાં આવે છે, પણ આ વર્ષે અમુક લોકોને મેડલ નહીં મળતા મેરેથોનના આયોજક દ્વારા મેડલ ચોરી થયાની જાણ આઝાદ મેદાન પોલીસને કરવામાં આવી હતી.
આ મામલે પોલીસ એલર્ટ થઈને તપાસ કરતાં છ જણની ધરપકડ કરી હતી. આ આરોપીઓને કોર્ટમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીઓને 25 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
આ મામલે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ધરપકડ કરવામાં આવેલા છ આરોપીએ મેરેથોનના 22 મેડલ બોક્સની ચોરી કરી હતી. આ બોક્સમાં 2200 મેડલ્સ રાખવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ આરોપીઓ સામે કાર્યવાહી કરી 620 મેડલ્સ જપ્ત કર્યા હતા. આ મેડલ્સની કિંમત 1.38 લાખ જેટલી હતી. મેડલ્સ સાથે આ આરોપીઓએ આઝાદ મેદાનમાં મેરેથોન માટે ઊભા કરવામાં આવેલા પંડાલમાંથી પાણીની બોટલ અને ટોવેલ્સની પણ ચોરી કરી હતી.
મેરેથોનના મેડલ લેવા આવેલા સ્પર્ધકોને મેડલ નહીં મળતા મેડલ્સ ચોરી થઈ ગયા હોવાની જાણ થઈ હતી. આ ઘટનાની જાણ થયા બાદ આઝાદ મેદાન પોલીસ દ્વારા તપાસ વખતે એક વ્યક્તિ પર શંકા આવતા પોલીસે તેની બેગની તપાસ કરી હતી, તેમાંથી મેડલ્સ મળી આવ્યા હતા. આ બાબતે આરોપીથી પૂછપરછ કરવામાં આવતા તેણે બાકીના પાંચ આરોપીઓના નામ અને મોબાઇલ નંબર પોલીસને આપ્યા હતા.
ત્યાર બાદ પોલીસે આ મોબાઇલ નંબરને ટ્રેક કરી આરોપીના સ્થાને પહોંચ્યા હતા અને કાર્યવાહી કરીને 660 મેડલ્સ જપ્ત કર્યા હતા. કુલ 2,200 મેડલ્સમાંથી માત્ર 660 મેડલ્સ પોલીસે પાછા મેળવ્યા હતા. બાકીના મેડલ્સ ક્યાં છે અને આ ચોરીમાં હજી કેટલા લોકો સામેલ છે એ મામલે તપાસ ચાલી રહી હોવાની માહિતી પોલીસ અધિકારીએ આપી હતી.