બોલો, મધ્ય રેલવેના આ સ્ટેશનની કરી કાયાપલટ પણ ઊભી થઈ નવી સમસ્યા…
મુંબઈ: મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન દાદર સ્ટેશનની કાયાપલટ કરવાના ભાગરુપે સ્ટેશનનું એક્સટેન્શનનું કામ પાર પાડવામાં આવ્યું છે, પરંતુ હવે નવી એક સમસ્યા ઊભી થઈ છે. મધ્ય અને પશ્ચિમ રેલવેને જોડનારા વિવિધ સ્ટેશન પૈકી દાદર સૌથી વ્યસ્ત સ્ટેશન ગણાય છે. પીક-અવર્સમાં પ્રવાસીઓની ભારે ભીડ હોય છે અને તે ઓછી થાય તે માટે સેન્ટ્રલ રેલવેએ દાદર સ્ટેશન ખાતે પ્લેટફૉર્મ નંબર 8-9નો વિસ્તાર કર્યો.
પરંતુ આ કામ કરતા તેમણે વેઠ ઉતારી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, કારણ કે પ્લેટફૉર્મ નંબર 8-9(પહેલા પ્લેટફૉર્મ નંબર-1-2) ઉપર છાપરા જ નાખવામાં આવ્યા નથી.
ઉનાળા-ચોમાસાના દિવસોમાં પ્રવાસીઓને ટ્રેનની રાહ જોવામાં કેટલી તકલીફ પડી શકે છે, જે સૌથી આવશ્યક્ત બાબત છે, જ્યારે તેના સામે રેલવેએ આંખ આડા કાન કરવા જોઈએ નહીં, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.
મધ્ય રેલવેએ 8-9 પ્લેટફૉર્મને પહોળાઈ વધારી તેનો વિસ્તાર તો કર્યો, જેથી પ્રવાસીઓની ભારે ભીડ ઓછી થઇ શકે અને પ્રવાસીઓ વધારાની જગ્યા ઉપયોગ (ટ્રેનની રાહ જોઈ શકે)માં લઇ શકે, પરંતુ જે ભાગમાં વિસ્તારીકરણ કરવામાં આવ્યું તેની ઉપર હજી સુધી છાપરા લગાવવામાં આવ્યા નથી. જેના કારણે પ્લેટફૉર્મના તેટલા વિસ્તારમાં ઊભા રહેવાનું કે તેનો ઉપયોગ કરવાનું પ્રવાસીઓ ટાળી રહ્યા છે.
સ્ટેશનના પ્લેટફોર્મ પર છાપરા નહીં હોવાથી સેન્ટ્રલ રેલવેની આખી મહેનત પાણીમાં ગઇ હોય તેવું લાગી રહ્યું છે. એક પ્રવાસીએ પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્લેટફૉર્મનો જેટલો ભાગ વધારવામાં આવ્યો છે તેટલા ભાગમાં છાપરાં લગાવવાનું કામ પણ રેલવે પ્રશાસને સાથોસાથ હાથ ધરવું જોઇતું હતું.
મધ્ય રેલવેના ઉપનગરના વિવિધ સ્ટેશનનું નિરીક્ષણનું કામ રેલવેના ઉચ્ચ અધિકારી મારફત કરવામાં આવે છે, જ્યારે આ મુદ્દાની પણ નોંધ લેવામાં આવશે, એમ અધિકારીએ દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે દાદરના પ્લેટફૉર્મ 8-9 પર ટાઇલીંગનું કામ પૂરું થઇ ગયું છે અને હવે મામૂલી કામ જ બાકી રહેલ છે. અહીંના પ્લેટફૉર્મ નંબર 8,10 અને 11 પર વેઇટિંગ રૂમના નવીનીકરણ પણ હાથ ધરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.