કઠુઆ આતંકવાદી હુમલા અંગે સંજય રાઉતે ચિંતા વ્યક્ત કરી, સરકારને કર્યો આ સવાલ?
મુંબઈ: છેલ્લા 10 વર્ષ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં સલામતી દળના કેટલા જવાનોએ જાન ગુમાવ્યા એની વિગતવાર જાણકારી આપવા શિવસેના (યુબીટી)ના સંસદ સભ્ય સંજય રાઉતે કેન્દ્ર સરકારને જણાવ્યું છે. સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં રાજ્ય સભાના સભ્યએ 2019માં કલમ રદ કરવામાં આવ્યા પછી બગડેલી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
સંજય રાઉતે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘વર્તમાન સરકારના શાસનકાળમાં સૌથી વધુ સૈનિકો જમ્મુ કાશ્મીરમાં માર્યા ગયા છે. 10 વર્ષ પહેલા આ સરકારની રચના થઈ ત્યારથી અને વિશેષ તો બંધારણી કલમ 370 હટાવી લેવામાં આવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ વણસી રહી છે. તાજેતરમાં જમ્મુ – કાશ્મીરના કઠુઆ જિલ્લાના માછેદી વિસ્તારમાં થયેલા જીવલેણ હુમલા પછી આ ટિપ્પણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Kathua terror attack: એન્કાઉન્ટરમાં 2 આતંકીઓ ઠાર, 1 CRPF જવાન શહીદ
આતંકવાદીઓએ કરેલા આ હુમલામાં લશ્કરના પાંચ જવાન શહીદ થયા હતા અને કેટલાકને ઈજા થઇ હતી. કેન્દ્ર શાસિત પ્રદેશમાં થઈ રહેલા હુમલાને અનુલક્ષી રાઉતે આ પ્રકારની ઘટના થતી અટકાવવાની જવાબદારી કોની છે એ અંગે સવાલ કર્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે ‘આવા હુમલા ન થાય એ અંગે તકેદારી રાખવાની જવાબદારી કોની છે? આ જવાબદારી વડા પ્રધાન, ગૃહ પ્રધાન અને સંરક્ષણ પ્રધાનની છે.
અહીં એ જણાવવાનું કાશ્મીર પછી જમ્મુમાં નિરંતર આતંકવાદી ગતિવિધિઓ વધી રહી છે, જ્યારે તેમાં સુરક્ષાદળોના જવાનો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે આ મુદ્દે કેન્દ્ર સરકાર પર વિપક્ષોએ નિશાન તાક્યું હતું, જ્યારે કોંગ્રેસે પણ કાશ્મીરની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી.