કાશ્મીરથી જમ્મુ તરફ શિફ્ટ થયા આતંદવાદીઓના નિશાન: સુરેશ એસ. ડુગ્ગર
કાશ્મીરથી જમ્મુ તરફ શિફ્ટ થયા આતંદવાદીઓના નિશાન,વૈષ્ણોદેવીનુું તીર્થસ્થળ અને અર્થવ્યવસ્થા છે લક્ષ્ય
જમ્મુ: ઉત્તર અને દક્ષિણ અર્થાત કાશ્મીર અને પંજાબના રસ્તે આવતા આતંકવાદીઓના પાટા વચ્ચે ફસાઈ રહેલા જમ્મુના લોકો આગામી દિવસોના ભયંકર ગંભીર ચિંતાજનક સ્થિતિનો સામનો કરી રહ્યા છે. આતંકવાદીઓનો ઈરાદો વિશ્ર્વપ્રસિદ્ધ તીર્થ સ્થળ વૈષ્ણો દેવીને નુકસાન પહોંચાડવા ઉપરાંત જમ્મુના પ્રદેશમાં આવનારા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓમાં આતંક ફેલાવીને આર્થિક રીતે હવે જમ્મુની કમર તોડી નાખવાનો છે. આવામાં સૌથી મોટી ચિંતા એ બાબતે કરવામાં આવી રહી છે કે 15 દિવસ પછી શરૂ થનારી અમરનાથ યાત્રામાં શું થશે. આ વખતે આ યાત્રાને નિશાન બનાવવાના ઈરાદા આતંકવાદીઓના હોય એવું લાગી રહ્યું છે.
જમ્મુ વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી સુરક્ષા દળો ક્યાંક આતંકવાદીઓ સાથે તો ક્યાંક તેમની હાજરીની અફવાથી ભાગદોડ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં બે ફિદાયીનને મારવામાં સફળતા મળી છે, પરંતુ હજી એક ડઝન જેટલા લોકોને શોધવામાં તેમને સફળતા મળી નથી. એટલું જરૂર છે કે પોલીસ ક્યાંય પણ ક્યારે પણ ફિદાયીન હુમલાની ચેતવણી અને ડરને કારણે અર્થવ્યવસ્થા પાટા પરથી ઉતરી રહી છે.
આ પણ વાંચો : Jammu: સર્ચ ઓપરેશન, નાકાબંધી, સ્કેચ રિલીઝ….જમ્મુમાં આતંકવાદીઓને ઠાર કરવા સેનાની કાર્યવાહી
અહીં ઉલ્લેખનીય છે કે 2018માં 13 સપ્ટેમ્બરે જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો તેના પછી જમ્મુના વૈષ્ણોદેવી મંદિરની સુરક્ષામાં વધારો કરી નાખવામાં આવ્યો હતો, કેમ કે મળતી માહિતી અને દસ્તાવેજો પરથી એવી જાણકારી મળી હતી કે આતંકવાદીઓનું લક્ષ્ય વૈષ્ણોદેવીનું મંદિર હતું. આની પહેલાં પણ પંજાબને રસ્તે જમ્મુના સાંબા સુધી પહોંચી ગયેલા આતંકવાદીઓના નિશાન પર વૈષ્ણોદેવી તીર્થસ્થાન જ હતું.
ત્યાર બાદ બન ટોલ પ્લાઝા અને એ પહેલાં વૈષ્ણોદેવી યુનિવર્સિટી પાસે માર્યા ગયેલા આતંકવાદીઓ જમ્મુ બોર્ડરથી અર્થાત દક્ષિણથી ઉત્તરની તરફ આગળ વધતા જમ્મુમાં અર્થવ્યવસ્થાની કમર તોડવાનો ઈરાદો લઈને આવ્યા હતા. આવા જ ઈરાદા એ આતંકવાદીઓના પણ હતા, જેઓ અનેક વખત પંજાબના રસ્તે વાડને પાર કરીને જમ્મુ ક્ષેત્રના કઠુઆ, હીરાનગર અને સાંબામાં રાજમાર્ગો પર અનેક સૈન્ય યુનિટો પર આત્મઘાતી હુમલા કરી ચૂક્યા હતા. આવા હુમલાઓ પછી અર્થવ્યવસ્થા નબળી પડી રહી હોવાનું જોવા મળ્યું હતું. કેમ કે હુમલાઓ થયા બાદ જમ્મુ અને કાશ્મીરમાં આવનારા પ્રવાસીઓ તેમ જ વૈષ્ણોદેવી આવનારા ભાવિકોની સંખ્યામાં ભારે ઘટાડો થયો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે જમ્મુ-પઠાણકોટ તથા જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવેનો ઉપયોગ રાજ્યમાં આવનારા પર્યટકો અને વૈષ્ણોદેવીના ભાવિકો દ્વારા કરવામાં આવે છે અને દરેક હુમલામાં સૌથી વધુ આતંકિત થનારો વર્ગ આ જ છે.
અત્યારનો તાજો હુમલો નેશનલ હાઈવેથી થોડા કિલોમીટર દૂર કરવામાં આવ્યો હતો. આ હુમલો લોકોમાં ડર ફેલાવવા માટે પૂરતો હતો. સુરક્ષા દળો વધારાના નાકા અને તલાશી અભિયાન દ્વારા પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ લોકોના દિલોદિમાગમાં ઘર કરી ચૂકેલા ડરને દૂર કરવામાં અત્યારે તેઓ નિષ્ફળ નીવડ્યા છે.
સુરક્ષા દળો માટે સૌથી મોટી મુશ્કેલી સ્લીપર સેલ અને ઓવર ગ્રાઉન્ડ વર્કર બની ચૂક્યા છે. જેઓ દરેક હુમલા બાદ હાથમાં તો આવે છે, પરંતુ ત્યાં સુધીમાં તેઓ અર્થ વ્યવસ્થા અને શાંતીને નુકસાન પહોંચાડવામાં સફળ થઈ ચૂક્યા હોય છે.
એક અધિકારીના મતે જમ્મુ શહેરની અતિરિક્ત બોર્ડર વિસ્તારમાં પ્રવાસી નાગરિકો અને ભાડેથી રહેનાલા લોકોની જાણકારી ગુપ્ત રાખવામાં આવતી હોવાથી પણ વહીવટીતંત્રની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કેમ કે આમાંથી ઘણા આતંકવાદીઓના સમર્થક હોવાનું સિદ્ધ થાય છે.