સૈફ અલી ખાન પર હુમલો: કોર્ટે આરોપીની જામીન અરજી પર પોલીસનો જવાબ માગ્યો

મુંબઈ: જાન્યુઆરી, 2025માં અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી નાગરિકની જામીન અરજી પર સેશન્સ કોર્ટે મંગળવારે મુંબઈ પોલીસને જવાબ દાખલ કરવાનું કહ્યું છે.
મોહંમદ શરીફુલ ઇસ્લામે (30) ગયા સપ્તાહે પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે તેણે કોઇ ગુનો આચર્યો નહોતો અને તેની વિરુદ્ધ ખોટો કેસ દાખલ કરાયો હતો.
આપણ વાંચો: સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં પશ્ચિમ બંગાળની મહિલાની ધરપકડ
આ અરજી એડિશનલ સેશન્સ જજ એ.એમ. પાટીલ સમક્ષ સુનાવણી માટે આવી હતી અને તેમણે પોલીસને જવાબ દાખલ કરવાનું કહ્યું છે, એમ જણાવી આરોપીના વકીલ અજય ગવળીએ ઉમેર્યું હતું કે આગામી સુનાવણી 4 એપ્રિલે રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 16 જાન્યુઆરી, 2025ના બાંદ્રા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં 12મા માળે સૈફના ઘરમાં ઘૂસેલા આરોપીએ તેના પર ચાકુથી હુમલો કર્યો હતો.
હુમલામાં ઘવાયેલા 54 વર્ષના સૈફ પર હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી અને પાંચ દિવસ બાદ તેને ડિસ્ચાર્જ મળ્યો હતો. આ કેસની તપાસ લગભગ પૂરી થઇ ગઇ છે અને માત્ર આરોપનામું દાખલ કરવાનું બાકી છે, એમ જામીન અરજીમાં જણાવીને દાવો કરવામાં આવ્યો છે કે આરોપીએ તપાસમાં સહકાર આપ્યો હતો અને તેને વધુ કસ્ટડીમાં રાખવાથી કોઇ ઉપયોગી હેતુ પૂર્ણ થશે નહીં. (પીટીઆઇ)