સચિન તેન્ડુલકરે પાડોશી સાથેના કયા મામલાનો તરત ઉકેલ લાવી દીધો?
મુંબઈ: બાંદરા (પશ્ર્ચિમ)માં સચિન તેન્ડુલકર જે બંગલામાં રહે છે એની બાજુમાં રહેતા દિલીપ ડિસોઝા નામના રહેવાસીએ બે દિવસ પહેલાં સચિનને ફરિયાદ કરી હતી કે તેના રહેઠાણ ખાતે રાત સુધી જે મોટો અવાજ થઈ રહ્યો છે એનાથી ખૂબ ડિસ્ટર્બ થઈ જવાય છે એટલે પ્લીઝ, આ અવાજ વહેલાસર બંધ કરાવો.
ડિસોઝા નામના આ પત્રકારે એક્સ (ટ્વિટર) પરની સચિન માટેની ફરિયાદમાં લખ્યું હતું કે ‘ડિયર સચિન, બાંદરામાંના તમારા નિવાસસ્થાનની બહાર જે સિમેન્ટ મિક્ષર છે એનાથી આખો દિવસ તો મોટો અવાજ થાય જ છે અને હવે તો રાત્રે નવ વાગ્યા છે એમ છતાં એટલો જ ઘોંઘાટ થઈ રહ્યો છે. મહેરબાની કરીને તમારા ઘરે જે માણસો કામ કરી રહ્યા છે તેમને કહેશો કે યોગ્ય સમય સુધી જ આ કામ ચાલુ રાખે. થૅન્ક યુ સો મચ.’
ફરિયાદની આ પોસ્ટને 6,00,000 વ્યૂઝ અને 4,500 લાઇક્સ મળ્યા હતા.
સચિને પાડોશીની ફરિયાદ જલદી અને વ્યવસ્થિત રીતે ઉકેલી નાખી હતી. ડિસોઝાએ જ પછીથી ટ્વિટર પર લખ્યું, ‘મને તેન્ડુલકરના પ્રવક્તાનો કૉલ આવ્યો હતો જેમાં તેમણે અવાજના પ્રદૂષણ બદલ માફી માગી હતી. તેમણે મારી વાત સરખી રીતે સાંભળી હતી અને હવે પછી અવાજ બને એટલો ઓછો થાય એની તકેદારી રાખશે.’