ડ્રાઇવિંગ ટેસ્ટમાં 10 ટકાથી ઓછી નિષ્ફળતા મળે તો RTO અધિકારીઓની કામગીરીની સમીક્ષા થશે

મુંબઈ: મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ કમિશનરે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)નો નવો દસ્તાવેજ જારી કર્યો છે. જો કાયમી લાઇસન્સ મેળવવા માગતા લોકોમાંથી 10 ટકાથી ઓછા ડ્રાઇવિંગ ટેસ્ટમાં નિષ્ફળ જાય તો મોટર વાહન નિરીક્ષકોના કામની સમીક્ષા હાથ ધરવામાં આવે એમ પ્રાદેશિક પરિવહન કચેરી (આરટીઓ) અધિકારીઓને કહેવામાં આવ્યું છે.
જોકે, કેટલાક વર્તમાન અને ભૂતપૂર્વ અધિકારીઓએ 10 ટકા નિષ્ફળતાના માપદંડ પર સવાલ ઉઠાવી તેને વિચિત્ર અને ગેરવાજબી ઠેરવી જણાવ્યું હતું કે પરિવહન વિભાગે આરટીઓમાં ડ્રાઇવિંગ પરીક્ષણો યોજવા માટે જરૂરી માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા અને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
ત્રીજી ડિસેમ્બરે જારી કરાયેલા એસઓપીના દસ્તાવેજમાં પરિવહન કમિશનર વિવેક ભીમનવારે તમામ આરટીઓને નિર્દેશ આપ્યો હતો કે તેઓ સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989 માં નિર્ધારિત પ્રક્રિયા મુજબ પરમેનન્ટ લાઇસન્સ મેળવવા માગનારાઓની ડ્રાઇવિંગ કુશળતાની કડક તપાસ કરે. .
આપણ વાચો: ૫૦૦ કરોડ રૂપિયાની ૧૩૩૦ નવી ઈ-બસ ખરીદશે બેસ્ટ…
વિભાગ ડ્રાઇવિંગ પરીક્ષણોની ગુણવત્તાને પ્રમાણિત કરવા અને સુધારવા માટે રાજ્યભરમાં આધુનિક ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક (એડીટીટી) સ્થાપિત કરવાની પ્રક્રિયામાં હોવાનું પણ કમિશનરે જણાવ્યું હતું.
એસઓપી દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે માર્ગ સલામતીના દૃષ્ટિકોણથી ગુણવત્તાયુક્ત અને કુશળ ડ્રાઇવરો તૈયાર કરવા માટે લાઇસન્સ આપતી વખતે પરીક્ષણ માટે અરજદારોની સેન્ટ્રલ મોટર વ્હીકલ નિયમો 1989 મુજબ કડક તપાસ કરવામાં આવે એની તકેદારી રાખવી જોઈએ. 80 ટકાથી વધુ માર્ગ અકસ્માતો ડ્રાઇવરની ભૂલને કારણે થાય છે, જે કડક પરીક્ષણ ધોરણોની જરૂરિયાત પર ભાર મૂકે છે.
ચાલુ કેલેન્ડર વર્ષ દરમિયાન મહારાષ્ટ્રમાં 30 સપ્ટેમ્બર સુધીમાં 26 હજાર 922 માર્ગ અકસ્માત અને 11,532 લોકોના મૃત્યુ થયા છે. 2024ના સમાન સમયગાળાની તુલનામાં માર્ગ અકસ્માતોમાં 0.8 ટકાનો વધારો થયો છે, જ્યારે મૃત્યુમાં 0.4 ટકાનો નજીવો ઘટાડો થયો છે.



