ઓડી કારનો વિવાદ: પુણેની ખાનગી કંપનીને આરટીઓએ નોટિસ ફટકારી
મુંબઈ: વિવાદોમાં સપડાયેલી પ્રોબેશનરી આઈએએસ અધિકારી પૂજા ખેડકરની મુસીબતમાં વધારો થઈ રહ્યો છે. ખાનગી કંપનીના માલિકની ઓડી કાર પર લાલ બત્તી અને ‘મહારાષ્ટ્ર સરકાર’ સ્ટિકર કથિત રીતે લગાવવા પ્રકરણે આરટીઓ દ્વારા પુણેની સંબંધિત કંપનીને નોટિસ ફટકારવામાં આવી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે પુણેની રિજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસે (આરટીઓ) ગુરુવારે સાંજે પુણેની ખાનગી કંપનીને નોટિસ મોકલાવી હતી. ઓડી કાર એમએચ-12/એઆર-7000 કંપનીના નામે રજિસ્ટર્ડ છે, જેના માટે હવેલી તાલુકાના શિવાને ગામનું સરનામું નોંધવામાં આવ્યું છે.
વરિષ્ઠ આરટીઓ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે કારના માલિકને પરીક્ષણ માટે કાર તાત્કાલિક આરટીઓમાં લાવવાનું નોટિસમાં કહેવામાં આવ્યું છે. ઉપરાંત, ફ્લાઈંગ સ્ક્વોડને પણ કાર શોધી કાઢવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: બોલો, હવે આ બાબતને લઈ રણબીર કપૂર આવ્યો ચર્ચામાં
વીઆઈપી નંબરવાળી સફેદ કલરની ઓડી કાર 32 વર્ષની ખેડકર કથિત રીતે વાપરતી હોવાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. બાદમાં આઈએએસ અધિકારી ખેડકર સામે વિવાદ ઊભો થયો હતો. (પીટીઆઈ)
ઓડી કારે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યાની 21 ફરિયાદ
મુંબઈ: પ્રોબેશનરી આઈએએસ અધિકારી પૂજા ખેડકર જે ઓડી કાર વાપરતી હતી તેની વિરુદ્ધ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એક-બે નહીં, પણ ખાસ્સી 21 ફરિયાદ નોંધાયેલી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર પુણેમાં રહેતી હતી ત્યારે ખેડકર આ ઓડી કાર વાપરતી હતી. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાની 21 ફરિયાદ સાથે 27 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જોકે દંડની રકમ હજુ ચૂકવવામાં આવી નથી. બીજી બાજુ, પુણે પોલીસે પણ કોઈ કાર્યવાહી કરી ન હોવાનું કહેવાય છે.