39.88 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ: બધી રકમ પાછી મેળવવામાં પોલીસને સફળતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પોલીસ અને આવકવેરા વિભાગના અધિકારીના સ્વાંગમાં અંધેરીના સાકીનાકા ખાતે રહેતા ફરિયાદી પાસેથી સાયબર ઠગ દ્વારા 39.88 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. જોકે સાયબર પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી બધાં નાણાં પાછાં મેળવવામાં સફળતા મળી હતી.
સાયબર પોલીસના જણાવ્યા મુજબ સાકીનાકામાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ફરિયાદી સાથે બુધવારે 39.88 લાખ રૂપિયાની કથિત ઠગાઈ થઈ હતી. પોલીસ અધિકારીના સ્વાંગમાં ફરિયાદીને કૉલ કરનારા શખસે તેમના નામના કુરિયરમાં શંકાસ્પદ વસ્તુ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. બાદમાં ફરિયાદીને તેમના બૅન્ક ખાતા મારફત ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કરાયાં હોવાનું જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ઇન્ટરનેશનલ સ્કૂલે સાયબર ફ્રોડમાં ગુમાવેલા રૂ. 82 લાખ પોલીસે પાછા મેળવ્યા
પોલીસ અધિકારીએ પછી કૉલ આવકવેરા વિભાગમાં ટ્રાન્સફર કર્યો હતો. આવકવેરા વિભાગના અધિકારીના સ્વાંગમાં આરોપીએ સંબંધિત ટ્રાન્ઝેક્શનની તપાસ ચાલી રહી છે. આ મામલામાં પોલીસ ધરપકડ કરી શકે છે, એવી ચીમકી આપી ફરિયાદી પાસેથી બે ટ્રાન્ઝેક્શન દ્વારા 39.88 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા.
જોકે બાદમાં પોતે છેતરાયા હોવાની જાણ ફરિયાદીને થતાં પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. નાણાં ગુમાવ્યાના ગણતરીના કલાકોમાં સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર કૉલ કરી કથિત ઠગાઈની જાણ કરવામાં આવી હતી. સાયબર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી જે બૅન્ક ખાતામાં ફરિયાદીએ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા તેના નોડલ અધિકારીની મદદ લીધી હતી. નોડલ અધિકારીની મદદથી ફરિયાદીના બધાં નાણાં સંબંધિત બૅન્ક ખાતામાં અટકાવી દેવામાં આવ્યા હતા. આ રીતે ફરિયાદીની રકમ બચાવી લેવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.