પવઈ બંધક ડ્રામા…

પોલીસને સ્ટુડિયોમાં પ્રવેશતી રોકવા રોહિતે મોશન ડિટેક્શન સેન્સર્સ લગાવ્યાં હતાં બારી અને દાદર પર લગાવાયેલાં સેન્સર્સ મોબાઈલ ફોન સાથે કનેક્ટ કરવામાં આવેલાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પવઈના સ્ટુડિયોમાં 17 બાળક સહિત 19 જણને બંધક બનાવનારા પ્રોફેસર રોહિત આર્યએ આ આખી યોજના સમજીવિચારીને બનાવી હતી. દરેક બાબતનું ધ્યાન રાખનારા રોહિતે પોલીસ સહેલાઈથી સ્ટુડિયોમાં પ્રવેશી ન શકે તેની પણ પૂરી તકેદારી રાખી હતી. તેણે બારી અને દાદર પર મોશન ડિટેક્શન સેન્સર્સ લગાવીને તેને પોતાના મોબાઈલ ફોન સાથે કનેક્ટ કર્યાં હતાં તો સીસીટીવી કૅમેરા પણ એક જ દિશામાં ફેરવી નાખ્યા હતા.
પવઈના સાકી-વિહાર રોડ પરની મહાવીર ક્લાસિક ઈમારતમાં આવેલા રા સ્ટુડિયોમાં રોહિતે ગુરુવારે વેબસિરીઝના ઑડિશનને બહાને બોલાવી 10થી 12 વર્ષનાં 17 છોકરા-છોકરીને બંધક બનાવ્યાં હતાં. બાળકોને બચાવવા સ્ટુડિયોમાં ઘૂસેલી પોલીસે એન્કાઉન્ટરમાં રોહિતનું ઢીમ ઢાળી દીધું હતું.
જોકે ઑપરેશન પત્યા પછી સ્ટુડિયોમાં તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસ સહેલાઈથી સ્ટુડિયોમાં ન પ્રવેશી શકે તે માટે રોહિતે બારી, દરવાજા અને દાદર પર મોશન ડિટેક્શન સેન્સર્સ લગાવ્યાં હતાં. પછી સેન્સર્સ પોતાના મોબાઈલ સાથે કનેક્ટ કરી રાખ્યાં હતાં, જેથી પોલીસ સ્ટુડિયોમાં ઘૂસવાનો પ્રયાસ કરે તો તેને જાણ થઈ શકે.
પોલીસનું અનુમાન છે કે બાળકોને બચાવવા પોલીસની ટીમ દાદરથી ચડીને કે બારીમાંથી ઘૂસીને સ્ટુડિયોમાં પ્રવેશી શકે એવું રોહિતે ધાર્યું હતું, જેને પગલે તેણે સેન્સર્સ ગોઠવી રાખ્યાં હતાં. એ સિવાય તેણે સીસીટીવી કૅમેરા પણ એક દિશામાં ફેરવી રાખ્યા હતા, જેથી સ્ટુડિયોમાંની તેની હિલચાલ ડીવીઆરમાં રેકોર્ડ ન થઈ શકે.
રોહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે પણ સંકળાયેલો હતો એટલે કદાચ તે જાણતો હશે કે આ બધાં ઈક્વિપમેન્ટ કઈ રીતે કામ કરે છે. એવું જણાવી એક અધિકારીએ ઉમેર્યું હતું કે બની શકે કે તેણે આ બધાં સાધનો માટે ઑનલાઈન સર્ચ કર્યું હશે. તેણે સેન્સર્સ ક્યાંથી ખરીદ્યાં એની પોલીસ તપાસ કરી રહી છે.
એક અધિકારીના જણાવ્યા મુજબ સ્ટુડિયોના આગળના ભાગમાં જ રોહિત હતો. પાછળના ભાગથી સ્ટુડિયોમાં પ્રવેશી શકાય કે નહીં તેનું પોલીસે સૌપ્રથમ નિરીક્ષણ કર્યું હતું. પછી ફાયર બ્રિગેડના જવાનોની મદદ લેવામાં આવી હતી.
સ્ટુડિયોના આગળના ભાગમાં હાજર પોલીસે રોહિતને વાટાઘાટોમાં પરોવી રાખ્યો હતો.
જ્યારે ફાયર બ્રિગેડની ટીમે બાથરૂમની બારીની ગ્રિલ કાપી હતી. પછી બારીમાંથી ત્રણ પોલીસ અધિકારી અંદર પ્રવેશ્યા હતા. પોલીસ જોઈ ડરી ગયેલા રોહિતે ઍરગનથી ફાયર કર્યું હતું. પોલીસે સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયર કરતાં ગોળી રોહિતની છાતીમાં વાગી હતી, જેમાં તેનું મૃત્યુ થયું હતું.
 
 
 
 


