મરાઠીભાષીઓ માટે મુંબઈના નવા પ્રોજેક્ટમાં 50 ટકા અનામત રાખો: શિવસેના (યુબીટી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા અનિલ પરબે સોમવારે એવી માગણી કરી હતી કે મુંબઈમાં નવા રહેણાંક પ્રોજેક્ટ્સમાં 50 ટકા ઘરો મરાઠીભાષી લોકો માટે અનામત રાખવામાં આવે, જેમની સંખ્યા મહાનગરમાં ઘટી રહી છે.
એકથી વધુ વખત વિધાનપરિષદના સભ્ય રહેલા અને હવે મુંબઈ સ્નાતક મતવિસ્તારમાંથી 26 જૂને યોજાનારી વિધાન પરિષદની ચૂંટણી લડી રહેલા અનિલ પરબે જણાવ્યું હતું કે મરાઠી ભાષી લોકોને આર્થિક રાજધાનીમાં ઘરો આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે, જેના કારણે તેઓને ઘર માટે શહેરની બહાર જવાની ફરજ પડી છે. રાજ્યના ભૂતપૂર્વ પ્રધાને એવો દાવો કર્યો હતો કે મુંબઈમાં મરાઠીભાષીઓની વસ્તી ઘટી રહી છે.
આ પણ વાંચો: Bhujbal શિવસેના (યુબીટી)માં જોડાવવા અંગે સંજય રાઉતે કરી આ સ્પષ્ટતા
નવા રહેણાંક પ્રોજેક્ટ્સમાં તેમના માટે 50 ટકા આરક્ષણ હોવું જોઈએ એમ તેમણે કહ્યું હતું અને આ સંદર્ભે કાયદો ઘડવાની માગણી કરી હતી. મરાઠી ભાષીઓને મુંબઈમાં પરવડે તેવા ભાવે મકાનો મળવા જોઈએ, એમ પરબે ભારપૂર્વક જણાવ્યું હતું.
શિવસેના (યુબીટી)ના નેતાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે તેમણે વિપક્ષી સભ્ય તરીકે વિધાન પરિષદમાં બિન-સત્તાવાર બિલ રજૂ કર્યું હતું, જેમાં નવા રહેણાંક પ્રોજેક્ટ્સમાં મરાઠીભાષીઓ માટે 50 ટકા અનામતની માગણી કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે 27 જૂનથી શરૂ થતા ચોમાસુ સત્રમાં આ બિલ વિધાનસભાના ઉપલા ગૃહમાં ચર્ચા માટે આવે તેવી શક્યતા છે.
પરબે જણાવ્યું હતું કે મોટા ઘરો ઉપરાંત 500 ચોરસ ફૂટ સુધીના નાના એપાર્ટમેન્ટ્સ પણ રિયલ્ટર દ્વારા બાંધવામાં આવે જેથી મરાઠીભાષીઓને ખરીદવાનું પરવડી શકે. (પીટીઆઈ)