જીવતે જીવ નિધનની અફવાથી રઝા મુરાદ થયા લાલઘૂમ: પોલીસ સ્ટેશનમાં જઈને શું કર્યું, જાણો?

મુંબઈ: પોતાના ભરાવદાર અવાજ અને શાનદાર અભિનય માટે જાણીતા પીઢ અભિનેતા રઝા મુરાદને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર રઝા મુરાદના મૃત્યુના સમાચારની પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેને લઈને હવે ખુદ રઝા મુરાદે ખુલાસો કર્યો છે.
હું જીવતો છું: રઝા મુરાદ
મીડિયા સાથે વાત કરતા અભિનેતા રઝા મુરાદે જણાવ્યું કે, ‘કોઈએ સોશિયલ મીડિયા પર સમાચાર અપલોડ કર્યા કે મારું અવસાન થયું છે. તે ખોટા સમાચાર હતા… આવા લોકોની માનસિકતા ખૂબ જ સંકુચિત છે અને તેઓ નથી ઇચ્છતા કે કોઈ જીવનમાં સારું કરે. હું હવે તેને અવગણવાનો નથી. લોકો અમારા મૌનનો દુરુપયોગ કરે છે. મેં સાયબર સુરક્ષામાં ફરિયાદ નોંધાવી છે.’
રઝા મુરાદે વધુમાં જણાવ્યું કે, ‘મારું ગળું, જીભ અને હોઠ લોકોને કહેતા સુકાઈ ગયા છે કે હું જીવતો છું. આ ખોટા સમાચાર દરેક જગ્યાએ ફેલાઈ ગયા છે. મને દુનિયાભરમાંથી ફોન અને સંદેશા મળી રહ્યા છે. લોકો મને પોસ્ટના સ્ક્રીનશોટ પણ મોકલી રહ્યા છે.’
રઝા મુરાદે નોંધાવી પોલીસ ફરિયાદ
પોતાના મૃત્યુને લઈને વાયરલ થઈ રહેલી પોસ્ટને લઈને રઝા મુરાદે મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, મારા મૃત્યુનો દાવો કરતી એક નકલી પોસ્ટ સોશિયલ મીડિયા પર ઓનલાઈન વાયરલ થઈ રહી છે.
હું આ અફવા અંગે વારંવાર સ્પષ્ટતા કરીને કંટાળી ગયો છું. મારા મૃત્યુની ખોટી અફવાએ મને ખૂબ નારાજ કર્યો છે. હું જીવું છું, એવી મને ફરી એકવાર સ્પષ્ટતા કરવી પડી છે.”
ઉલ્લેખનીય છે કે, અંબાલી પોલીસે અભિનેતા રઝા મુરાદને ખાતરી આપી છે કે, તેઓ મામલાના છેલ્લા છેડા સુધી જશે અને જવાબદાર વ્યક્તિને પકડી લેશે. તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો…Ayodhya Ram Mandir: આ મુસ્લિમ અભિનેતાએ કહ્યું ‘રામ મારા નામમાં છે, હું જે કંઇ પણ છું એમના કારણે છું’