મહારાષ્ટ્ર વિધાનસભાની સમિતિને લાંચના પ્રયાસનો રાઉતનો આરોપ, મુખ્ય પ્રધાને એસઆઈટી તપાસનો આદેશ આપ્યો

મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે એવો આરોપ લગાવ્યો હતો કે તેમના પક્ષના કાર્યકરોએ ધુળે જિલ્લાની મુલાકાત દરમિયાન રાજ્ય વિધાનસભાની અંદાજ સમિતિને ‘લાંચ’ આપવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો, જેને પગલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સમગ્ર પ્રકરણની એક ખાસ ટીમ (એસઆઈટી) દ્વારા તપાસનો આદેશ આપ્યો હતો.
સમિતિના અધ્યક્ષ અર્જુન ખોતકરે આ ઘટનાને તેમના અંગત સહાયક (પીએ) સાથે સાંકળતા આરોપોને ફગાવી દીધા હતા. ખોતકર નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના વિધાનસભ્ય છે.
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર બુધવારે રાત્રે એક પોસ્ટમાં રાઉતે આરોપ લગાવ્યો હતો કે ધુળે શહેરના સરકારી રેસ્ટ હાઉસના એક રૂમમાં પાંચ કરોડ રૂપિયાથી વધુ રોકડ મળી આવી હતી.
જ્યારે વિધાનસભા અંદાજ સમિતિએ બુધવારે ધુળે જિલ્લાની મુલાકાત લીધી ત્યારે સમિતિને લાંચ આપવા બદલ ધુળે સરકારી રેસ્ટ હાઉસ ગુલમોહરના રૂમ નંબર 102માં લગભગ સાડા પાંચ કરોડ રૂપિયા રાખવામાં આવ્યા હતા, એવો દાવો રાજ્યસભાના સભ્યે કર્યો હતો.
રાઉતે જણાવ્યું હતું કે શિવસેનાના ભૂતપૂર્વ વિધાનસભ્ય અનિલ અન્ના ગોટે અને શિવસેના (યુબીટી)ના સ્થાનિક નેતાઓએ રૂમને તાળું મારી દીધું હતું અને બહાર ચોકી કરી હતી.
જિલ્લા કલેક્ટર, પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી)ને જાણ કરવા છતાં ચારથી પાંચ કલાક પછી પણ કોઈ આવ્યું નહોતું. પ્રશાસન તરફથી કોઈ સહકાર મળતો નથી. લાંચનો હેતુ વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર અને તેમાં અધિકારીઓની સંડોવણીને દબાવવાનો હતો, એવો ગંભીર આરોપ તેમણે લગાવ્યો હતો.
અંદાજ સમિતિને રાજ્યના બજેટમાં ચોક્કસ વિસ્તારને ફાળવવામાં આવેલા ભંડોળના ઉપયોગની તપાસ કરવાની સત્તા છે.
ધૂળેના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ શ્રીકાંત ધિવરેએ પત્રકારોને જણાવ્યું હતું કે આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે.
પત્રકારો સાથે વાત કરતા અનિલ ગોટેએ એવો દાવો કર્યો હતો કે રૂમ 102 ખોતકરના પીએ કિશોર પાટીલના નામે બુક કરવામાં આવ્યો હતો.
જોકે, ખોતકરે આ વાતનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે રેસ્ટ હાઉસમાં મળેલા પૈસાનો સમિતિના કામ સાથે કોઈ સંબંધ નથી. મેં મારા પીએ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમણે તે રૂમ બુક કરાવ્યો નહોતો. તેમણે તેની બાજુમાંનો રૂમ બુક કરાવ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.
રાઉતે ત્યારબાદ પત્રકારોને જણાવ્યું હતું કે જેના નામે રૂમ 102 બુક કરવામાં આવ્યો હતો તેની તપાસ થવી જોઈએ.
દરમિયાન આ સમગ્ર પ્રકરણ પર મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ એક ગંભીર ઘટના છે. સંપૂર્ણ સત્ય જાણી શકાયું નથી. પરંતુ સત્ય બહાર આવવું જ જોઈએ. વિધાનસભા સમિતિ પર પ્રશ્ર્નાર્થ ચિહ્ન સહન કરી શકાય નહીં. વિધાનસભાના સન્માન અને ગરિમાને જાળવી રાખવી જોઈએ. સત્ય જાણવા માટે એક એસઆઈટી (વિશેષ તપાસ ટીમ)ની રચના કરવામાં આવશે. પૈસા ક્યાંથી આવ્યા અને કોઈએ તેની માગણી કરી હતી કે નહીં તે બાબતની પણ તપાસ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળતા ફડણવીસે એમ પણ કહ્યું હતું કે તેઓ વિધાનસભાના અધ્યક્ષ અને વિધાન પરિષદના અધ્યક્ષને સત્ય જાણવા માટે અલગ એથિક્સ સમિતિઓની રચના કરવા વિનંતી કરશે. કોઈપણ સંજોગોમાં વિધાનસભા સમિતિની કામગીરી પર શંકા ઉપસ્થિત ન થવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો…૩૧મી પહેલાં રસ્તા સમથળ કરો: એડિશનલ કમિશનરનો આદેશ…