આમચી મુંબઈ

રિવોલ્વરની ધાકે યુવતી પર બળાત્કાર: રીલ્સ સ્ટાર અને તેના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો

થાણે: ઍરપોર્ટ પર નોકરી અપાવવાની ખાતરી પછી રિવોલ્વરની ધાકે 19 વર્ષની યુવતી પર કથિત બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના થાણે જિલ્લામાં બની હતી. પોલીસે રીલ્સ સ્ટાર અને તેના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ આ કેસનો મુખ્ય આરોપી ડોમ્બિવલી નજીકના ઠાકુર્લીમાં રહેતો સુરેન્દ્ર પાટીલ તેની રીલ્સ અને શૉર્ટ વીડિયોને કારણે સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ઘણો પ્રખ્યાત છે.

નાશિકમાં રહેતી યુવતીએ માનપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષની 16 ફેબ્રુઆરીથી 29 માર્ચ દરમિયાન આરોપીએ જાતીય હુમલો કર્યો હતો.

આપણ વાંચો: બળાત્કારના પ્રયાસ અંગે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી

યુવતીની ઓળખાણ ઈન્સ્ટાગ્રામ પર પાટીલ સાથે થઈ હતી. એક વાર પાટીલે યુવતીને તેની ઑફિસમાં બોલાવી હતી. ઑફિસમાં ગયેલી યુવતી સાથે આરોપીએ રિવોલ્વરની ધાકે કુકર્મ આચર્યું હતું. તેણે યુવતીના વડીલોને મારી નાખવાની ધમકી સુધ્ધાં આપી હતી, એવું ફરિયાદમાં જણાવાયું હતું.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે 29 માર્ચે પાટીલે તેમની વચ્ચે થયેલી વાતચીત અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની ધમકી આપી હતી. તે દિવસે આરોપીએ તેનો વિનયભંગ પણ કર્યો હતો. વિરોધ કરીને યુવતી ઑફિસની બહાર જઈ રહી હતી ત્યારે આરોપી અને તેના ડ્રાઈવરે યુવતીનું અપમાન કરી તેને નિર્વસ્ત્ર કરી હતી.

આપણ વાંચો: પુણે બળાત્કાર કેસમાં બેદરકારી બદલ ચાર પરિવહન અધિકારીઓ સસ્પેન્ડ

ફરિયાદને આધારે પોલીસે પાટીલ અને તેના ડ્રાઈવર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

જોકે યુવતીએ કરેલા આક્ષેપોનું પાટીલે ખંડન કર્યું હતું અને ખંડણી વસૂલવા માટે યુવતીએ ખોટી ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button