નવી મુંબઈમાં મહિલા સાથે દુષ્કર્મ અને વિનયભંગ: બે જણ સામે ગુનો
થાણે: નવી મુંબઈમાં લગ્નની લાલચે પરિણીત મહિલા સાથે કથિત દુષ્કર્મ અને વિનયભંગના આરોપસર પોલીસે બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
કળંબોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના 15 જૂન, 2022થી 14 મે, 2023 દરમિયાન બની હતી. કળંબોલી વિસ્તારમાં રહેતી 42 વર્ષની પરિણીત મહિલા પર એક આરોપીએ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. લગ્ન કરવાની અને મહિલાનાં સંતાનોની સંભાળ રાખવાની ખાતરી આરોપીએ આપી હતી.
જોકે બાદમાં આરોપી મહિલાને કથિત ત્રાસ આપવા લાગ્યો હતો. મહિલાને તેની જ્ઞાતિ પરથી ગાળો ભાંડતો હતો અને હત્યાની ધમકી આપતો હતો. એ સિવાય મહિલાની પુત્રીને દેહવેપારમાં ધકેલવાની ચીમકી પણ આપતો હતો, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
આરોપી તેના મિત્ર સાથે મહિલાને દારૂ પીવા માટે દબાણ કરતો હતો. આરોપીના મિત્રએ મહિલાનો વિનયભંગ કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
આ પ્રકરણે મહિલાએ મંગળવારે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે બે જણ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો તેમ જ એસસીએસટી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ મામલે વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે. (પીટીઆઈ)