રાણીબાગમાં વધુ એક વાઘનું શંકાસ્પદ મૃત્યુ: વહીવટી તંત્ર સામે સવાલ

મુંબઈ: ભાયખલા સ્થિત વીરમાતા જીજાબાઈ ભોસલે પાર્ક અને પ્રાણી સંગ્રહાલયમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાણીબાગ તરીકે જાણીતા આ પ્રાણી સંગ્રહાલયમાં શક્તિ વાઘના શંકાસ્પદ મૃત્યુની માહિતી મળ્યા બાદ હવે રુદ્ર નામનો વાઘ પણ અવસાન પામ્યો હોવાના અહેવાલ મળ્યા છે.
સૂત્રો અનુસાર રુદ્રનું મૃત્યુ શક્તિ ટાઇગરના મૃત્યુના થોડા દિવસો પહેલા જ થઈ ગયું હતું. રાણીબાગમાં જન્મેલા ત્રણ વર્ષના રુદ્રનું મૃત્યુ ચેપ લાગવાથી થયું હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. જોકે, મૃત્યુ અંગેનો અહેવાલ હજુ આવ્યો ન હોવાથી કારણ નથી જાણી શકાયું.
આપણ વાચો: ભાયખલાના પ્રાણી સંગ્રહાલયમાં શક્તિ વાધનું મૃત્યુ આઠ દિવસ સુધી પાલિકા પ્રશાસન મૃત્યુ બાબતે મૌન
મુંબઈ દક્ષિણ ભાજપના મહાસચિવ નીતિન બેન્કરે આ અંગે સવાલ ઉઠાવ્યો છે. વહીવટીતંત્રે રુદ્ર વાઘ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ એવી માંગણી તેમણે કરી છે. જો સાત દિવસની અંદર ભૂમિકા સ્પષ્ટ નહીં થાય તો તેમણે આંદોલન કરવાની ચેતવણી આપી છે.
વહીવટી તંત્રની બેદરકારી અને તેની સારવાર કરનાર પશુ ચિકિત્સા અધિકારીની બેદરકારીને કારણે વાઘનું મૃત્યુ થયું હોવાની ચર્ચા છે. શક્તિ ટાઇગરના મૃત્યુ અંગેની માહિતી જાહેર ન કરવા પાછળનું કારણ શું છે તે અંગે સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે.



