Rammandir: બાન્દ્રા-વરલી સિ-લિંકનું આ દિવ્ય દ્રશ્ય જોયું કે નહીં?
મુંબઈઃ આવતીકાલે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દેશમાં દિવાળી જેવો માહોલ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને દિવાળીની જેમ દિવા કરી, શણગાર કરી આ ઘડીને મનાવવા અનુરોધ કર્યો હતો ત્યારે મોટા ભાગના જાહેર સ્થળો, ધાર્મિક સ્થળોને શણગારવામાં આવ્યા છે. મુંબઈની વાત કરીએ તો દુકાનોથી માંડી સોસાયટીઓ રંગોળી, રોશનીથી સજાવીને રામલલ્લાને આવકારવામાં તૈયાર થઈ છે. દરેક જગ્યાએ આકર્ષક ઈલેક્ટ્રીક લાઈટીંગ કરવામાં આવી છે.
તેવી જ રીતે મુંબઈમાં બાંદ્રા-વરલી સી લિન્ક પણ ભગવાન શ્રી રામના મંત્રોચ્ચારથી ઝગમગી ઉઠી છે. અહીં સી-લિંકના કેબલ પર લેસર લાઇટ દ્વારા ભગવાન શ્રી રામનું ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે જે અદભૂત છે. લોકો આ દૃશ્ય જોવા અહીં ઊભા રહે છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.
બ્રિજ પર લાઇટ દ્વારા ‘જય શ્રી રામ’ સૂત્ર લખવામાં આવ્યું છે. આ અદ્ભુત નજારો જોવા લોકો મોટી સંખ્યામાં ત્યાંથી પસાર થઈ રહ્યા છે. આમ પણ વ્યસ્ત રહેતો આ લિંક રોડ હાલમાં વધારે વ્યસ્ત છે. અહીં નીકળતા દરેક મોબાઈલ હાથમાં લઈ ફોટો અને વીડિયો લઈ રહ્યા છે.
આ ઉપરાંત દાદરના છત્રપતિ શિવાજી મહારાજ પાર્કમાં પણ રામ મંદિરની 45 ફૂટ ઊંચી પ્રતિકૃતિ છે, જે પણ લાઈટિંગથી ઝળહળી રહી છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ રામભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દરેક જગ્યાએ રામનામનો જાપ કરવામાં આવી રહ્યો છે. સોસાયટીએ પણ રામનામના જાપ, સુંદરકાંડના પાઠ, લાઈટિંગ, મીઠાઈ, દીવડાઓ વગેરેનું આયોજન કર્યું છે. અયોધ્યા તો આજે નવી નવેલી દુલ્હન જેવું સજીધજી રહ્યું છે, પણ આખા દેશમાં દિવાળી કરતા પણ વધારે આનંદનો માહોલ છે.