રાજ ઠાકરે કોંગ્રેસને સાથે લેવા ઉત્સુક છે: સંજય રાઉતનો મોટો દાવો, શું MNS MVAનો હિસ્સો બનશે?

મુંબઈ: શિવસેનાના સંસદ સભ્ય સંજય રાઉતે દાવો કર્યો હતો કે રાજ ઠાકરેનો પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) કોંગ્રેસનો સાથ લેવા માટે ઉત્સુક છે. આ નિવેદનનો અર્થ એ થાય કે મનસે વિપક્ષ મહા વિકાસ અઘાડી (એમવીએ)નો હિસ્સો બની શકે છે.
જોકે, રાઉતના નિવેદન બાદ પક્ષનું વલણ તેના પ્રમુખ નક્કી કરે છે એવો ખુલાસો મનસે દ્વારા કરવામાં આવ્યો હતો. રાઉતની ટિપ્પણીના સંદર્ભમાં મનસેના નેતા સંદીપ દેશપાંડેએ જણાવ્યું હતું કે ‘બીજું કોઈ નહીં, પણ પક્ષ તેનું વલણ રજૂ કરશે. ભવિષ્યમાં પણ સ્પષ્ટતા અમે જ કરીશું.’
આપણ વાંચો: મહાવિકાસ આઘાડીને ‘પાડવા’ માટે હવે સંજય રાઉતે કર્યો નવો દાવો, દિલ્હીમાં રચાયું કાવતરું
રાજ ઠાકરે અને શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે રાજ્યમાં આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે હાથ મિલાવશે એવી ચાલી રહેલી અટકળો વચ્ચે રાઉતે આ ટિપ્પણી કરી છે. જોકે, મનસેના અધ્યક્ષ મોટા વિપક્ષી ગઠબંધનનો ભાગ હશે કે નહીં એ હજી સ્પષ્ટ નથી થયું.
રાજ ઠાકરે એમવીએનો હિસ્સો બનવા માટે તૈયાર છે કે કાઇમાં એવો સવાલ કરવામાં આવતા રાઉતે સંવાદદાતાઓને જણાવ્યું હતું કે ‘રાજ ઠાકરે પણ ઈચ્છે છે કે કોંગ્રેસને સાથે રાખવો જોઈએ. આ તેમનું વલણ છે. જોકે, એનો અર્થ એ નથી કે આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે.’
આપણ વાંચો: ભાજપમાં ઘણા લોકો સેના (યુબીટી) સાથે ગઠબંધન ઈચ્છે છે: સંજય રાઉતે કર્યો મોટો દાવો
રાજ્યસભાના સંસદ સભ્યએ જણાવ્યું હતું કે તેમણે એઆઈસીસીના મહાસચિવ કે સી વેણુગોપાલ સાથે કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરી છે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે પણ વાત કરવાના છે. ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે પણ વાત કરશે.’
જો કે, પ્રદેશ કોંગ્રેસના નેતાઓના એક વર્ગે મનસે સાથે હાથ મિલાવવાના કોઈપણ પગલાનો વિરોધ કર્યો છે. ખાસ કરીને આગામી બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા આમ ન કરવું જોઈએ એવી તેમની દલીલ છે.
(પીટીઆઈ)