20 વર્ષ બાદ સંજય રાઉતના નિવાસસ્થાને રાજ ઠાકરે: જૂની દોસ્તી ફરી તાજી થઈ

મુંબઈઃ શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉત છેલ્લા એક મહિનાથી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. મુંબઈમાં નિષ્ણાત ડોકટરો તેમની સારવાર કરી રહ્યા છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે આજે મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના વડા રાજ ઠાકરે સંજય રાઉતના ઘરે તેમની ખબરઅંતર પૂછવા પહોંચ્યા હતા. રાજ ઠાકરે આજે બપોરે સંજય રાઉતને તેમના ભાંડુપ નિવાસસ્થાને મળ્યા હતા.
તેમણે સંજય રાઉત અને તેમના પરિવાર સાથે લગભગ 20-25 મિનિટ સુધી વાત કરી હતી. તેમણે સંજય રાઉતને તબિયતનું ધ્યાન રાખવા, વધારે ચિંતા નહીં કરવાની સલાહ આપી હતી. લગભગ 20 વર્ષ પછી રાજ ઠાકરેએ ભાંડુપમાં સંજય રાઉતના નિવાસસ્થાનની મુલાકાત લીધી. રાજ ઠાકરે શિવસેનામાં હતા ત્યારે કોઈ કામ માટે સંજય રાઉતના નિવાસસ્થાને ગયા હતા.
આ પણ વાંચો : રાજ ઠાકરે કોંગ્રેસને સાથે લેવા ઉત્સુક છે: સંજય રાઉતનો મોટો દાવો, શું MNS MVAનો હિસ્સો બનશે?
જ્યારે શિવસેના અખંડ હતી અને રાજ ઠાકરે પણ સેનામાં હતા, ત્યારે સંજય રાઉત અને રાજ ઠાકરે વચ્ચે ખાસ મિત્રતા હતી. પાર્ટીમાં તેમની મિત્રતાની ચર્ચા થતી રહેતી હતી. જયારે, રાજ ઠાકરેએ શિવસેના છોડવાનો નિર્ણય લીધો ત્યારે સંજય રાઉત તેમને મનાવવા કૃષ્ણકુંજ ગયા હતા. જોકે, તે સમયે ગુસ્સે ભરાયેલા રાજ ઠાકરેના સમર્થકોએ રાઉતની કારમાં તોડફોડ કરીને તેને આગ લગાવી દીધી હતી.
મંગળવારે મુંબઈમાં એક પારિવારિક કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ સંજય રાઉત વચ્ચે થયેલી મુલાકાત ચર્ચાનો વિષય બની હતી. આ મુલાકાત રાઉતના સાળા રાજેશ નાર્વેકરના પુત્રના લગ્ન સમારોહમાં થઈ હતી, જ્યાં બંને નેતાઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી અને થોડીવાર વાત પણ કરી હતી.
આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે માટે માઠા સમાચાર: સંજય રાઉત ગંભીર બીમાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું જલ્દી સ્વસ્થ થઈશ…
રાજેશ નાર્વેકરના પુત્રના લગ્નમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ભાજપ નેતા આશિષ શેલાર અને અન્ય વરિષ્ઠ રાજકારણીઓ સહિત અનેક અગ્રણી હસ્તીઓએ હાજરી આપી હતી. સંજય રાઉત અને દેવેન્દ્ર ફડણવીસ સમારંભ દરમિયાન સ્વાભાવિક રીતે મળ્યા હતા, પરંતુ કેટલીક તસવીરો સામે આવતા જ આ મુલાકાત રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
સીએમ ફડણવીસે સૌપ્રથમ સંજય રાઉતના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. થોડા દિવસ પહેલા, સંજય રાઉતે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેમને ગંભીર બીમારી હોવાનું નિદાન થયું છે. ડોક્ટરોએ તેમને આરામ કરવાની અને જાહેર કાર્યક્રમોથી દૂર રહેવાની સલાહ આપી છે.
પોતાની બીમારીના નિદાન પછી સંજય રાઉતે પોતે કહ્યું હતું કે તેઓ થોડા સમય માટે જાહેર જીવનથી દૂર રહેશે, પરંતુ અપેક્ષા કરતા ઝડપથી સ્વસ્થ થવાને કારણે, તેમણે તાજેતરના દિવસોમાં મર્યાદિત કાર્યક્રમોમાં હાજરી આપવાનું શરૂ કર્યું છે. સાળાને ત્યાં લગ્ન સમારોહમાં તેમણે હાજરી આપી હતી.



