વરસાદ અને ગૂડ્સ ટ્રેન ડિરેલમેન્ટ: મુંબઈ લોકલ ટ્રેન સેવા પ્રભાવિત, યાત્રીઓ પરેશાન

મુંબઈ: ચોમાસાની ઋતુ લગભગ પુરી થવા આવી છે, પણ વરસાદ હજી જવાનું નામ લેતો નથી. આજે મુંબઈ સહિત પરાના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન પર અસર પડી હતી, જ્યારે મધ્ય અને પશ્ચિમ રેલવેની ટ્રેનસેવા મોડી દોડવાને કારણે પ્રવાસીઓ માટે અઠવાડિયાનો પહેલો દિવસ હાલાકીભર્યો રહ્યો હતો, તેમાંય વળી ગૂડ્સ ટ્રેનના ડિરેલમેન્ટે પ્રવાસીઓની હાલાકીમાં ઔર વધારો કર્યો હતો.
મધ્ય રેલવેની સબર્બન ટ્રેન સેવાઓને અસર થઇ હતી. મધ્ય રેલવેમાં બદલાપુર-અંબરનાથ વચ્ચે ગૂડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી જવાના કારણે લોકલ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. આજે બપોરે 1.30 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનાને કારણે સીએસએમટી તરફ જતી લોકલ સેવા પર અસર પડી છે. દરમિયાન, કલ્યાણથી કર્જત-ખપોલી તરફ જતી લોકલ સેવા ધીમી ગતિએ ચાલી રહી છે, જ્યારે લોકલ ટ્રેનો દિવસભર મોડી દોડતી રહી હતી.
રવિવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો હતો અને સોમવારે સવારે પણ ચાલુ રહ્યો હતો જેના કારણે મુંબઈ શહેર અને ઉપનગરોના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તેની અસર ઉપનગરીય સેવાઓ ઉપર પણ થઈ હતી. દહાણુ રોડ, વિરાર, બોરીવલીથી ચર્ચગેટ તરફ અને કર્જત, ખપોલી, અંબરનાથ, બદલાપુર, કસારા, આસનગાંવ, ટિટવાલા, કલ્યાણ, થાણે, પનવેલ, નેરુલ વાશીથી સીએસએમટી તરફ જતી લોકલ સેવાઓને અસર થઈ હતી, જેમાં ગૂડ્સ ટ્રેન પાટા પરથી ઉતરતાં બદલાપુર અને અંબરનાથ વચ્ચે લોકલ સેવાઓ ખોરવાઈ હતી. સવારથી લઈ રાતના પણ લોકલ ટ્રેન અને લાંબા અંતરની ટ્રેનો મોડી દોડતા પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી.
મધ્ય રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી કે માલગાડીને ખસેડવા એક સહાયક એન્જિન મોકલવામાં આવ્યું હતું. કર્જતથી સીએસએમટી સુધીની લોકલ સેવા બંધ થવાને કારણે મુસાફરોની હાલાકી વધી ગઈ હતી. ઉપરાંત, વાંગણી, ભીવપુરી અને કર્જત વચ્ચે એક પછી એક લોકલ ટ્રેનો અટકી પડી છે. લાંબા સમયથી લોકલ ટ્રેનો અટકી જતા મુસાફરો હેરાન થઇ ગયા હતા, જેથી ટ્રેનની સાથે રેલવે સ્ટેશન પર પણ પ્રવાસીઓની ભીડ વધી હતી.
કસારા અને કર્જતથી સીએસએમટી તરફ આવતી લાંબા અંતરની ટ્રેનોનું સમયપત્રક પણ ખોરવાતું જ જાય છે. આ રૂટ પરની CSMT તરફ જતી ધીમી લોકલ ટ્રેનોને સેમી ફાસ્ટ અથવા ફાસ્ટ તરીકે દોડાવવામાં આવી હતી. લોકલ સમયપત્રકમાં ફેરફાર થવાને કારણે, ધીમા રૂટ પરના મુસાફરોને લોકલ ટ્રેનની રાહ જોવી પડી હતી. અહીં એ જણાવવાનું કે મહિનાના પહેલા દસ દિવસમાં મધ્ય રેલવેમાં 750થી વધુ ટ્રેન રદ થવાથી પ્રવાસીઓની હાલાકીમાં વધારો થયા કરે છે.
આ પણ વાંચો…હેવારોમાં મુંબઈગરાની હાલત ‘કફોડી’: 10 દિવસમાં મધ્ય રેલવેમાં કેટલી લોકલ ટ્રેન રદ થઈ?