રેલવે દ્વારા આ બે રેલવે સ્ટેશન પર ગણેશોત્સવ માટે કરવામાં આવી છે ખાસ ગોઠવણ…
મુંબઈઃ મુંબઈમાં બાપ્પાનું આગમનથી લઈને અનંતચતુર્દશીના દિવસે વિસર્જન સુધી મધ્ય રેલવેના ચિંચપોકલી અને કરી રોડ સ્ટેશન પર થનારી પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં લઈને રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મધ્ય રેલવે દ્વારા આરપીએફ અને જીઆરપીને આ સ્ટેશન પર તહેનાત કરવામાં આવશે, જે ભીડનું નિયોજન કરશે.
લાલબાગ ચા રાજા, ચિંચપોકળીના ચિંતામણી, મુંબઈ ચા રાજા જેવા જૂના પરંપરાગત ગણપતિના દર્શન માટે શહેર-ઉપનગરમાંથી હજારો ભાવિકોની ભીડ ઉમટે છે. ગણપતિ પંડાલ અને તેની નજીક આવેલા રેલવે સ્ટેશન એટલે કે મધ્ય રેલવેના ચિંચપોકલી અને કરી રોડ રેલવે સ્ટેશન પર મોટા પ્રમાણમાં ભીડ જોવા મળે છે.
બંને સ્ટેશન પર એક જ પ્લેટફોર્મ હોવાને કારણે જગ્યાની ખૂબ જ અછત છે. જેને કારણે ભીડનું નિયોજન કરવું અઘરું છે. પરંતુ રેલવે દ્વારા સ્ટેશનમાં પ્રવેશવા અને બહાર જવા માટે સ્વતંત્ર લેન તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત વારંવાર એનાઉન્સમેન્ટ કરીને ગણેશભક્તોને સૂચના આપવામાં આવશે, એવી માહિતી રેલવે અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
ગણેશોત્સવ દરમિયાન રેલવે પોલીસ, જીઆરપી, મહારાષ્ટ્ર સુરક્ષા દળ અને હોમગાર્ડ જેવી સુરક્ષા યંત્રણાઓને સજ્જ રાખવામાં આવી છે. રેલવે સ્ટેશનનના પ્રવેશદ્વાર પર આવેલી ટિકિટ, પ્લેટફોર્મ અને ફૂટ ઓવર બ્રિજ પર પોલીસ તહેનાત કરવામાં આવશે. ચિંચપોકલી, કરી રોડ સહિત દાદર, અંધેરી, અને ઘાટકોપર રેલવે સ્ટેશન પર પણ આવશ્યક્તા અનુસાર ફોર્સ ડિપ્લોય કરવામાં આવશે, એવી માહિતી રેલવે પોલીસ દ્વારા આપવામાં આવી હતી.
ચિંચપોકલી, કરી રોડ રેલવે સ્ટેશન પર એક જ દિશામાં અવર-જવર કરવાની વ્યવસ્થા છે, જેને કારણે ભીડ વધી જાય છે. આ સમસ્યાને ઉકેલવા માટે એન્ટ્રી ગેટ સહિત પૂલનો ઉપયોગ કરવો, લોકલ ટ્રેનમાંથી ઉતરનારા પ્રવાસીઓને પ્રાધાન્ય આપો, અફવા ફેલાવવી નહી એવી જનજાગૃતિ ફેલાવવામાં આવશે, એવી માહિતી આરપીએફ દ્વારા આપવામાં આવી છે.