રેલવેના કર્મચારીએ ચાલતી ટ્રેનમાંથી પડનારા પ્રવાસીનો જીવ બચાવ્યો, વીડિયો વાઈરલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય રેલવેના મસ્જિદ સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ઉતરવા જતી વખતે પ્રવાસીનો પગ લપસી જતાં તે પ્લેટફોર્મ અને લોકલ ટ્રેન વચ્ચેની ગેપમાં પડતા પ્રવાસીને મોટો અકસ્માત થયો હતો. ટ્રેનના ફૂટબોર્ડ અને પ્લેટફોર્મની ગેપમાં પડ્યા પહેલા સ્ટેશન પરના હાજર પોઇન્ટ્સમેને પોતાની બહાદુરીપૂર્વક તાત્કાલિક પ્રવાસીને ખેંચી લેતા તેનો જીવ બચી ગયો હતો.
આ બનાવ રવિવારે બપોરે 12.25 વાગ્યાના સુમારે બન્યો હતો.
છ જાન્યુઆરીએ બનેલી આ ઘટના મસ્જિદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ખાતે બની હતી. સ્ટેશન પરના સીસીટીવી કૅમેરામાં આખી ઘટના કેદ થઈ હતી. આ ઘટનાનો વીડિયો મધ્ય રેલવે દ્વારા એક્સ પર શેર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો હતો.
વાઈરલ વીડિયોમાં એક પ્રવાસી ચાલતી ટ્રેનમાં ચડવાની કોશિશ કરી રહ્યો છે. એ દરમિયાન પ્રવાસીએ સંતુલન ગુમાવતા પ્લેટફોર્મ અને લોકલ ટ્રેનની વચ્ચેની ગેપ નજીક પડી જાય છે, પણ ત્યાં હાજર રહેલા પોઇન્ટ્સમેને તેને ગેપમાં પડતાં પહેલા જ ખેંચી લીધો હતો. મધ્ય રેલવેએ આ વીડિયો શેર કરીને પ્રવાસીનો જીવ બચાવનાર રેલવે પોઇન્ટ્સમેન સમીર હાંડેની કામગીરીને બિરદાવી હતી.
આ મામલે વધુ માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે સમીર હાંડે આ ઘટના વખતે મસ્જિદ સ્ટેશન પર પોતાની ફરજ બજાવી રહ્યા હતા. આ દરમ્યાન એક પ્રવાસી ટ્રેનમાંથી પડી જતાં હાંડેએ એલર્ટ થઈ દોડી પ્રવાસીનો જીવ બચાવ્યો હતો.
આ અગાઉ પાંચ જાન્યુઆરીએ પણ કલ્યાણ સ્ટેશન પર એક મહિલા પ્રવાસીની સાડી ટ્રેનના દરવાજામાં ફસાઈ જવાની ઘટના બની હતી. મહિલાની સાડી ટ્રેનમાં ફસાતા તે ચાલતી ટ્રેન સાથે પ્લેટફોર્મ ઢસડાઈ હતી. આ દરમિયાન વૈશાલી પટેલ નામની મહિલા આરપીએફ કોન્સ્ટેબલે તેની સાડીને ટ્રેનના દરવાજામાંથી છોડાવી મહિલાનો જીવ બચાવ્યો હતો.