આવતીકાલે બહાર નીકળવાનું વિચારી રહ્યા હોવ તો પહેલાં News વાંચી લો, નહીં તો…
મુંબઈઃ આવતીકાલે એટલે રે રવિવારે જો તમે પણ બહાર નીકળવાનું વિચારી રહ્યા હોવ તો તમારે પહેલાં આ સમાતાર વાંચી લેવા જોઈએ. રવિવારે રજાના દિવસે પણ લોકલ ટ્રેનોના ધાંધિયા જ રહેશે, કારણ કે રેલવે દ્વારા ટ્રેક અને સિગ્નલ મેઈન્ટેનન્સ જેવા મહત્ત્વના કામ હાથ ધરાવવાનું હોવાથી મધ્ય રેલવે પર અને હાર્બર લાઈન પર બ્લોક (Mega Block On Central And Harbour Line) લેવાનો નિર્ણય રેલવે દ્વારા લેવામાં આવ્યો છે.
મધ્ય રેલવે પર માટુંગા-મુલુંડ અપ-ડાઉન લાઈન પર સવારે 11.05 કલાકથી બપોરે 4 વાગ્યા સુધી મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે અપ-ડાઉન ફાસ્ટ લોકલ થાણે-માટુંગા વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે, જેને કારણે લોકલ ટ્રેનો 10થી 15 મિનિટ મોડી પડવાની શક્યતા રેલવે અધિકારીઓ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.
આ પણ વાંચો: વિના ‘બ્લોક’ મધ્ય રેલવેમાં લોકલ ટ્રેનોની રફતાર પર બ્રેક, જાણો કેમ?
હાર્બર લાઈન પર સીએસએમટી-ચુનાભટ્ટી, બાંદ્રા અપ-ડાઉન લાઈન પર સવારે 11.10 કલાકથી બપોરે 4.10 કલાક સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયમાં સીએસએમટીથી વાશી, બેલાપુર, પનવેલ વચ્ચે અપ-ડાઉન લાઈન પર ટ્રેનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. બ્લોકના સમય દરમિયાન પનવેલ-કુર્લા વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.
પશ્ચિમ રેલવેની વાત કરીએ તો પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને આવતીકાલે ડે બ્લોકમાંથી રાહત મળશે, પણ શનિવારે રાતે પશ્ચિમ રેલવે પર ખાસ નાઈટ બ્લોક હાથ ધરવામાં આવશે. પશ્ચિમ રેલવે પર આજે એટલે કે શનિવારે રાતે 1 વાગ્યાથી વહેલી સવારે 4.30 કલાકે સુધી સાંતાક્રુઝ-માહિમી વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે.
પશ્ચિમ રેલવે પરના આ નાઈટ બ્લોકને કારણે અપ-ડાઉન સ્લો લોકલ મુંબઈ સેન્ટ્રલ-સાંતાક્રુઝ વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. લોઅર પરેલ, માહિમ અને ખાર સ્ટેશન પર ડબલ હોલ્ટ આપવામાં આવશે અને લોકલ ટ્રેનોને મહાલક્ષ્મી, પ્રભાદેવી અને માટુંગા સ્ટેશન પર હોલ્ટ નહીં આપવામાં આવે.