વિદેશમાં નોકરીની લાલચે 100થી વધુ યુવાનો પાસેથી રૂપિયા પડાવવાનું રૅકેટ: બે પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિદેશમાં પ્રતિષ્ઠિત કંપનીમાં ઊંચા પગારની નોકરી અપાવવાની લાલચે 100થી વધુ યુવાનો પાસેથી રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરવાના રૅકેટનો પર્દાફાશ કરી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-8ના અધિકારીઓએ પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ શાહીદ હુસેન મોહમ્મદ હુસેન શેખ (39) અને મોહમ્મદ નઝીમ મોહમ્મદ શબ્બીર મનીહાર (45) તરીકે થઈ હતી. કોર્ટે બન્ને આરોપીને 12 જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે.
પોલીસ ફરિયાદ અનુસાર આરોપીઓએ બનાવટી દસ્તાવેજોને આધારે ખાર, સાંતાક્રુઝ, ગોરેગામ, મીરા રોડમાં પ્લેસમેન્ટ એજન્સીની ઑફિસ ખોલી હતી. વિદેશમાં નોકરી ઇચ્છુક યુવાનોને ટાર્ગેટ કરવામાં આવતા હતા. યુવાનોને સિંગાપોર, દુબઈ અને કુવેતમાં નોકરી અપાવવાની લાલચ આપી દરેક પાસેથી 80 હજાર રૂપિયા પડાવવામાં આવતા હતા.
રૂપિયા લીધા પછી યુવાનોને પ્રતિષ્ઠિત કંપનીના બનાવટી જૉબ ઑફર લેટર અને સંબંધિત દેશના બોગસ વર્ક વિઝા વ્હૉટ્સઍપથી મોકલવામાં આવતા હતા. તેમનો વિશ્ર્વાસ સંપાદન કરવા માટે મેડિકલ ટેસ્ટ માટે પણ તેમને બોલાવવામાં આવતા હતા. જોકે બાદમાં યુવાનોને ઉડાઉ જવાબ આપવામાં આવતા હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે અનેક લોકો પાસેથી રૂપિયા લીધા પછી આરોપીઓ ઑફિસને તાળાં લગાવી રફુચક્કર થઈ ગયા હતા. આરોપીઓની એક ઑફિસ દક્ષિણ મુંબઈના મરીન લાઈન્સ વિસ્તારમાં હોવાની માહિતી મળતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે શનિવારે રેઇડ કરી હતી. ઑફિસમાંથી સર્ટિફિકેટ્સ, મેડિકલ રિપોર્ટ્સ સહિતના દસ્તાવેજો સાથે કમ્પ્યુટર, ત્રણ મોબાઈલ ફોન, રાઉટર જપ્ત કરવામાં આવ્યાં હતાં. પકડાયેલા બન્ને આરોપી એજન્ટ હોવાનું પોલીસનું કહેવું છે.