દેહવ્યાપાર ચલાવવા બદલ કવ્વાલી ગાયિકાની ધરપકડ
થાણે: થાણે જિલ્લામાં દેહવ્યાપાર ચલાવવા બદલ 40 વર્ષની કવ્વાલી ગાયિકાની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ગાયિકાની ઓળખ રોશની બબલુ શેખ તરીકે થઇ હોઇ મીરા-ભાયંદર વસઇ-વિરાર કમિશનરેટના એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલે 26 ફેબ્રુઆરીએ ઓપરેશન હાથ ધરીને તેને ઝડપી પાડી હતી.
રોશની શેખ સાંતાક્રુઝ, અંધેરી, દહિસર, બોરીવલી અને અન્ય વિસ્તારોમાં દેહવ્યાપાર ચલાવતી હતી. આ અંગે ફરિયાદ મળ્યા બાદ પોલીસ ટીમે મુંબઈ-અમદાવાદ હાઇવે પર કાશીમીરા ખાતે હોટેલ નજીક છટકું ગોઠવીને રોશનીની ધરપકડ કરી હતી.
પોલીસે રોશની પાસેથી કેટલીક રોકડ જપ્ત કરી હતી. પોલીસે એક યુવતીનો છુટકારો કરાવ્યો હતો, જેને બાદમાં મહિલા સુધારગૃહમાં મોકલી આપવામાં આવી હતી.
રોશની વિરુદ્ધ આઇપીસી અને ઇમ્મોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટની સંબંધિત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરાયો હોવાનું સિનિયર ઇન્સ્પેક્ટર સમીર અહિરરાવે કહ્યું હતું. (પીટીઆઇ)