પુણે પોર્શ કેસ: આરોપીએ બ્લડ સેમ્પલ સાથે છેડછાડનો પ્રયાસ કર્યો હોવાનો પોલીસનો દાવો…

પુણે:પુણે પોર્શ કેસમાં કિશોર આરોપીને બચાવવા માટે બીજી હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ (લોહીના નમૂના) અદલાબદલી કરવાના નિષ્ફળ પ્રયાસો કરવામાં આવ્યા હતા એમ ફરિયાદ પક્ષે અદાલતને જણાવ્યું છે.
કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 173(8) હેઠળ વધારાના દસ્તાવેજો રજૂ કરતા ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે સસૂન હોસ્પિટલમાં સૌ પ્રથમ એકત્રિત કરવામાં આવેલા સગીરના બ્લડ સેમ્પલ લેનારી પુણે પોલીસને શંકા છે કે તેમાં છેડછાડ થઈ હોવાની સંભાવના છે.
ત્યારબાદ પોલીસે આગોતરા પગલા તરીકે ઔંધ સરકારી હોસ્પિટલમાં કિશોરના બ્લડ સેમ્પલ મેળવ્યા હતા, પરંતુ તેના માતાપિતા સહિત અન્ય કેટલાક આરોપીઓને તેની જાણ થઈ હતી એવી જાણકારી પોલીસે મંગળવારે અદાલતને આપી હતી.
ફરિયાદ પક્ષે દાવો કર્યો હતો કે, આરોપીઓએ સેમ્પલની અદલાબદલી કરવા માટે ઔંધ હોસ્પિટલના સત્તાવાળાઓનો સંપર્ક સાધ્યો હતો, પરંતુ ત્યાંના ડોક્ટરોએ સહકાર આપવાનો ઇનકાર કર્યો હતો.
19 મે, 2024ના દિવસે પુણેના કલ્યાણી નગર વિસ્તારમાં 17 વર્ષના કિશોર દ્વારા કથિત રીતે નશાની હાલતમાં ચલાવવામાં આવેલી પોર્શ કારે બે આઇટી પ્રોફેશનલ્સ, અનીશ અવધિયા અને અશ્વિની કોસ્ટાને કચડી નાખતા તેમનું મૃત્યુ થયું હતું.
(પીટીઆઈ)
આપણ વાંચો :પુણેમાં પોર્શે કાર અકસ્માત: ટીનેજરના માતાપિતા સહિત સાત જણ વિરુદ્ધ 900 પાનાંનું આરોપનામું દાખલ