પુણેમાં પોર્શે કાર અકસ્માત: ટીનેજરના માતાપિતા સહિત સાત જણ વિરુદ્ધ 900 પાનાંનું આરોપનામું દાખલ
પુણે: પુણેના કલ્યાણીનગરમાં બે સોફ્ટવેર એન્જિનિયરનો ભોગ લેનારા પોર્શે કાર અકસ્માત કેસમાં પોલીસે 17 વર્ષના ટીનેજરના માતાપિતા સહિત સાત આરોપી વિરુદ્ધ સામે કોર્ટમાં 900 પાનાંનું આરોપનામું દાખલ કર્યું હતું.
ગુરુવારે દાખલ કરવામાં આવેલા આરોપનામામાં ટીનેજરને બાકાત રાખવામાં આવ્યો છે, જેનો કેસ જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (જેજેબી) દ્વારા અલગથી હાથ ધરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પુણેના કલ્યાણીનગર વિસ્તારમાં બિલ્ડરના સગીર પુત્રે 19 જુલાઇએ મળસકે દારૂના નશામાં પોર્શે કાર હંકારી મોટરસાઇકલ પર જઇ રહેલા બે સોફ્ટવેર એન્જિનિયરને અડફેટમાં લીધા હતા, જેમાં બંને જણનાં મોત થયાં હતાં.
એડિશનલ પોલીસ કમિશનર (ક્રાઇમ) શૈલેશ બાલકવાડેએ જણાવ્યું હતું કે અમે ટીનેજરના માતાપિતા, સસૂન જનરલ હોસ્પિટલના બે ડોક્ટર અને સ્ટાફ અને બે વચેટિયા સામે 900 પાનાંનું આરોપનામું પુણે કોર્ટમાં દાખલ કર્યું હતું.
આ પણ વાંચો: પોર્શે કાર અકસ્માત: સમિતિએ જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડના બે સભ્ય સામે શિસ્તભંગનાં પગલાં લેવાની ભલામણ કરી
ટીનેજરનાં માતા-પિતા, સસૂન જનરલ હોસ્પિટલના બે ડોક્ટર અજય તવારે અને ડો. શ્રીહરિ હાલનોર તેમ જ ત્યાંના કર્મચારી અતુલ ઘાટકાંબળે પર ટીનેજરના લોહીના નમૂના માતાના નમૂના સાથે અદલાબદલી કરવાનો આરોપ છે.
અન્ય બે આરોપી અશફાક મકાનદાર અને અમર ગાયકવાડે લોહીના નમૂનાની અદલાબદલી માટે નાણાકીય વ્યવહારો કરવા ટીનેજરના પિતા અને ડોક્ટરો વચ્ચે વચેટિયાની ભૂમિકા ભજવી હતી. આરોપનામામાં 50 સાક્ષીદારોનાં નિવેદનનો સમાવેશ છે. (પીટીઆઇ)