પુણે ઍરપોર્ટ અને વિમાનમાં બ્લાસ્ટના મેઈલથી તંત્ર સાબદું…

પુણે: પુણે ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ અને વિમાનમાં શક્તિશાળી વિસ્ફોટકો પ્લાન્ટ કરવામાં આવ્યા હોઈ ધડાકા થવા સંદર્ભેનો ઈ-મેઈલ ઍરલાઈન્સની ઑફિસમાં આવતાં તંત્ર સાબદું થઈ ગયું હતું. સઘન તપાસ બાદ પણ કોઈ વિસ્ફોટકો હાથ લાગ્યા નહોતા, પણ પોલીસે સુરક્ષાવ્યવસ્થા કડક કરી નાખી હતી.
વિમાનતળ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઍરપોર્ટ ખાતેની ખાનગી ઍરલાઈન્સની ઑફિસને મધરાતે 1.25 વાગ્યે એક મેઈલ આવ્યો હતો. મેઈલમાં જણાવાયું હતું કે વિમાનો અને ઍરપોર્ટ ફરતે શક્તિશાળી વિસ્ફોટકો બૅગમાં સંતાડીને ગોઠવવામાં આવ્યા છે. તમે તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરાવો… લોકો મરી જશે.
જોકે ઍરલાઈનના કસ્ટમર કૅર એક્ઝિક્યુટિવે છેક સવારે 6.45 વાગ્યે આ મેઈલ જોયો હતો, પરંતુ મેઈલમાંનો સંદેશો વાંચીને તેણે તાત્કાલિક સંબંધિત એજન્સીને જાણ કરી હતી. માહિતી મળતાં જ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ), બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીડીએસ) અને સ્થાનિક પોલીસ ઍરપોર્ટ પહોંચી હતી.
ઍરપોર્ટની અંદર અને બહારના પરિસરમાં તપાસ કરવામાં આવી હતી. સઘન તપાસ બાદ પણ કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ મળી આવી નહોતી. આ પ્રકરણે ઍરલાઈન સ્ટાફે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી સાયબરની ટીમ ઈ-મેઈલ મોકલનારને ટ્રેસ કરી રહી છે. (પીટીઆઈ)