આરોપીને જામીન પર છોડાવવા માટે કોર્ટમાં બોગસ દસ્તાવેજો રજૂ કર્યા: ત્રણ સામે ગુનો

થાણે: છેતરપિંડીના કેસના આરોપીને જામીન પર છોડાવવા માટે કોર્ટમાં બોગસ દસ્તાવેજો રજૂ કરવા બદલ ત્રણ જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટના અધિકારીએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે ભિવંડીની શાંતિનગર પોલીસે સંતોષ ક્ધહૈયાલાલ મોર્ય, સંતોષ શિંદે અને કલ્પેશ પાટીલ વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
ભરૂચના રહેવાસી વિનોદભાઇ જેરામભાઇ ભિમરા (52)ની પોલીસે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી હતી અને તેને જામીન પર છોડાવવા આરોપીઓએ બોગસ દસ્તાવેજો ભિવંડીની કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીને જામીન આપ્યા બાદ કોર્ટના સ્ટાફે દસ્તાવેજોની તપાસ કરી હતી, જેમાં તે બોગસ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
આરોપી સંતોષ મૌર્યએ અન્ય વ્યક્તિના નામે બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા, જે વિનોદભાઇ ભિમરાના ગેરેન્ટર તરીકે કોર્ટમાં ઊભો રહ્યો હતો. મૌર્યને બોગસ દસ્તાવેજો બનાવવા માટે શિંદે અને પાટીલે મદદ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)