પ્રિયંકા ચતુર્વેદીએ સીએમ મુદ્દે આપ્યું વિવાદિત નિવેદનઃ મહાયુતિના નેતાઓએ કાઢી ઝાટકણી
મુંબઈ: ચૂંટણી પ્રચાર વખતે નેતાઓ વિરોધીઓ પર નિશાન તાકતા હોય છે અને એ દરમિયાન ક્યારેક તેમની જીભ પણ લપસી જાય છે. આ જ રીતે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર તેમ જ કલ્યાણ બેઠકના ઉમેદવાર સાંસદ શ્રીકાંત શિંદેની ટીકા કરતી વખતે બફાટ કર્યો હતો.
પ્રિયંકા ચતુર્વેદીએ ઘાટકોપરમાં ઉત્તર-પૂર્વ બેઠકના મહાવિકાસ આઘાડીના ઉમેદવાર સંજય દિના પાટીલના પ્રચાર દરમિયાન આ ટિપ્પણી કરી હતી. પ્રિયંકાએ પ્રચાર રેલી દરમિયાન કહ્યું હતું કે તમને અમિતાભ બચ્ચનની ફિલ્મ દિવાર તો યાદ હશે જ. જેમાં અમિતાભ બચ્ચન પોતાનો હાથ દેખાડીને તેમાં કોતરાવેલા શબ્દો દેખાડે છે જેમાં લખ્યું હોય છે કે ‘મેરા બાપ ચોર હૈ’.
એ જ રીતે એકનાથ શિંદે શિવસેનામાંથી છૂટા પડ્યા અને પોતાની શિવસેના સ્થાપી તેને ઉદ્દેશીને પ્રિયંકાએ કહ્યું હતું કે એ જ રીતે શ્રીકાંત શિંદેના માથા પર લખ્યું છે કે ‘મેરા બાપ ગદ્દાર હૈ’.
જોકે આ નિવેદન બાદ મહાયુતિના નેતાઓમાં એક સીટીંગ મુખ્ય પ્રધાન વિરુદ્ધ આવી અભદ્ર ટીપ્પણી કરી હોવાથી રોષ ભરાયો છે. સંજય નિરુપમે આ અંગે જણાવ્યું હતું કે એક મહિલા સાંસદ આ પ્રકારની અભદ્ર ટીપ્પણી મુખ્ય પ્રધાનના પુત્ર અને કલ્યાણ લોકસભાના ઉમેદવાર વિરુદ્ધ કરી રહી છે. જો આમ હોત તો આદિત્ય ઠાકરેના માથા પર લખેલું હોવું જોઇએ કે તેમના પિતા ગદ્દાર છે કારણ કે મહાયુતિ તોડીને તેમણે ગદ્દારી કરી હતી.