દેવેન્દ્ર ફડણવીસે ‘પીકે’એ પર નિશાન સાધ્યું અને ગઠબંધન રાજનીતિનું મહત્વ સમજાવ્યું…

મુંબઈઃ હાલમાં જ બિહાર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે ત્યારે બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલી વાર લડનાર પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીને ચૂંટણી પરિણામો જાહેર થયા પછી કારમી હારનો સામનો કરવો પડ્યો, જ્યાં તેના ઘણા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે ત્યારે આ મુદ્દે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમની હાર બાદ પીકેને સલાહ આપી. ફડણવીસે કહ્યું કે રાજકારણમાં હંમેશા વિચારધારા કરતાં સંખ્યાઓને વધુ મહત્વ આપવામાં આવે છે.
હાર બાદ ફડણવીસે પીકેને સલાહ આપી
દેવેન્દ્ર ફડણવીસે પીકે પર નિશાન સાધતા કહ્યું કે લોકશાહી ચલાવવાના બે જ રસ્તા છે: વિચારધારા અને સંખ્યા, પરંતુ સંખ્યા વિના તમે વિચારધારાને આગળ વધારી શકતા નથી. ફડણવીસે વધુમાં કહ્યું કે પ્રશાંત કિશોરે ચૂંટણી દરમિયાન વિચારધારા વિશે ઘણી વાતો કરી હતી પરંતુ ચૂંટણીના પરિણામોમાં તેમને એક પણ બેઠક મળી નથી. ‘પીકે’ને સલાહ આપતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાજકારણમાં તમારે વ્યવહારું રહેવું પડશે, સુસંગત હોવું પણ મહત્વપૂર્ણ છે પરંતુ આ માટે તમારી પાસે સંખ્યા હોવી જોઈએ. અહીં સંખ્યાનો અર્થ વિધાનસભ્યો, સાંસદો અને જનપ્રતિનિધિની સંખ્યા હતી.
જનસુરાજે 238 બેઠક પર ચૂંટણી લડી હતી
તમને જણાવી દઈએ કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીએ 243 માંથી 238 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડી હતી. ચૂંટણી પરિણામો જાહેર થયા પછી 238 બેઠકો પર ચૂંટણી લડનાર પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજ 129 બેઠકો પર ત્રીજા સ્થાને રહી હતી. જન સુરાજના ઉમેદવાર એક બેઠક પર બીજા સ્થાને રહ્યા હતા. 73 બેઠકો પર જન સુરાજના ઉમેદવારો ચોથા સ્થાને હતા, જ્યારે 24 બેઠક એવી હતી જ્યાં જન સુરાજના ઉમેદવારો પાંચમા સ્થાને હતા.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ દરમિયાન ગઠબંધનની રાજનીતિ પર ચર્ચા કરી અને કહ્યું કે ભલે આપણી વિચારધારાઓ મેળ ન ખાય, આપણે એક કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ કામ કરી શકીએ છીએ. 1990ના દાયકાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તે સમયે દેશમાં છ અલગ અલગ વડા પ્રધાન બન્યા હતા. દેવેન્દ્ર ફડણવીસ હાલમાં શિવસેનાના એકનાથ શિંદે અને એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના અજિત પવાર સાથે મળીને સરકાર ચલાવી રહ્યા છે. આ પહેલા, તેઓ લગભગ બે વર્ષ સુધી એકનાથ શિંદે સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન હતા.
દેવેન્દ્ર ફડણવીસ 2014થી 2019 સુધીના સમગ્ર 5 વર્ષ સુધી ગઠબંધન સરકારના મુખ્ય પ્રધાન રહ્યા છે. તેમને ગઠબંધન સરકાર ચલાવવાનો સારો અનુભવ છે. આવા સમયે મુંબઈમાં જ્યારે નાગરિક ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે એવી ચર્ચા ચાલી રહી છે કે ભાજપ આ ચૂંટણીઓ શિવસેના સાથે ગઠબંધનમાં લડશે કે બંને પક્ષો અલગથી ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે પ્રશાંત કિશોરની પાર્ટીને એટલા પણ વોટ નથી મળ્યા કે એ રાજ્યની માન્યતા પ્રાપ્ત પાર્ટી બની શકે. નિયમ મુજબ ચૂંટણીમાં 6 ટકા વોટ પ્રાપ્ત કરનાર પાર્ટીને જ માન્યતા મળે છે.
આ પણ વાંચો…‘જંગલરાજ’ના ડરથી મતદારોનો ‘મૂડ’ બદલાયોઃ બિહારના પરિણામો મુદ્દે પ્રશાંત કિશોરે મૌન તોડ્યું…



