પ્રદૂષણ પર લગામ તાણવા સરકાર આ નીતિ અમલી બનાવશે
જૂના-ખખડી ગયેલા વાહનો માટે ‘નો પીયુસી, નો ફ્યુઅલ’ની નીતિ

મુંબઈ: વાયુ પ્રદૂષણ ફેલાવતા જૂના અને ખખડી ગયેલા વાહનોને પેટ્રોલ પંપ પર ઇંધણ આપવા માટે નકાર કરતી નીતિ તૈયાર કરવા અંગે મહારાષ્ટ્ર સરકાર વિચારણા કરી રહી હોવાનું સ્ટેટ ટ્રાન્સપોર્ટ ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઇકે મંગળવારે જણાવ્યું હતું.
મંત્રાલય ખાતે મોટર વ્હેઇકલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક દરમિયાન સરનાઇકે જણાવ્યું હતું કે આ અંગેની કડક નીતિ ટૂંક સમયમાં અમલમાં મૂકવામાં આવશે.
આપણ વાંચો: આરોગ્ય એક્સપ્રેસ : વાયુ પ્રદૂષણ – આબોહવા જ નહીં, આરોગ્ય માટે પણ એટલું જ જોખમી
રસ્તાઓ પર વાહનોની, ખાસ કરીને પરંપરાગત ઇંધણનો ઉપયોગ કરતા વાહનોની સંખ્યામાં વધારો થયો છે ત્યારે વાયુ પ્રદૂષણનું પ્રમાણ પણ ચિંતાનો વિષય બન્યો છે. દરેક વાહન પાસે યોગ્ય પોલ્યુશન અંડર ક્ધટ્રોલ (પીયુસી) સર્ટિફિકેટ હોવાનું જરૂરી હોય છે ત્યારે અનેક વાહનો પાસે આવા બનાવટી સર્ટિફિકેટ હોવાનું પણ જાણવા મળ્યું છે, એમ સરનાઇકે કહ્યું હતું.
પીયુસી જેવા યોગ્ય સર્ટિફિકેટ ધરાવતા વાહનોને જ ઇંધણ આપવામાં આવશે. ‘નો પીયુસી, નો ફ્યુઅલ’ની નીતિ અમલમાં મૂકવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
મુંબઈ સહિત મેટ્રો પોલિટન સિટીમાં વધતા વાહનના વપરાશને કારણે પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. વધતા પ્રદૂષણને લઈ આરોગ્ય સંબંધિત વિવિધ બીમારીમાં વધારો થઈ રહ્યો હોવાથી સરકાર પણ પાણી પહેલા પાળ બાંધવા જઈ રહી છે, જેમાં સફળ થશે કે નહીં એ જોવાનું રહેશે.