પવઈ બંધક ડ્રામા

મુંબઈ: બાળકોને બંધક બનાવી પોતાની વાતની રજૂઆત કરવાની યોજનાના ભાગ રૂપે રોહિતે પવઈનો સ્ટુડિયો ચાર દિવસ માટે ભાડે લીધો હતો, એવું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે સ્ટુડિયો ભાડે લઈને રોહિતે વેબસિરીઝ માટે બાળકોનાં ઑડિશન લેવાનું શરૂ કર્યું હતું. ઑડિશન દરમિયાન વાલીઓ બિલ્ડિંગ નીચે અથવા સ્ટુડિયોની બહાર બેસતા હતા, જ્યારે અંદર માત્ર બાળકો જ જતાં હતાં.
સોમવારથી જ રોહિતે સ્ટુડિયોમાં સેન્સર્સ લગાવીને તેનું પરીક્ષણ કરવાનું શરૂ કર્યું હશે, એવું પોલીસનું માનવું છે. ત્રણ દિવસ ઑડિશનનું નાટક કર્યા પછી ગુરુવારે છેલ્લા દિવસે રોહિતે કાવતરાને અંજામ આપ્યો હતો.
આપણ વાચો: મુંબઈમાં 17 બાળકોને ઓડિશનના બહાને બોલાવી બાનમાં લેનારા રોહિત આર્યે ભૂખ હડતાળ પણ કરેલી
પોલીસને ઘટનાસ્થળેથી ઍરગન, પેટ્રોલ, જ્વલનશીલ રબર સોલ્યુશન અને લાઈટર્સ મળી આવ્યાં હતાં. જ્વલનશીલ કેમિકલથી સ્ટુડિયોમાં આગ લગાડી બાળકોને નુકસાન પહોંચાડવાની ચીમકી રોહિતે વીડિયોમાં આપી હતી.
મળતી માહિતી અનુસાર શુક્રવારની સવારે રોહિતના મૃતદેહને ડિટેઈલ પોસ્ટમોર્ટમ માટે જે. જે. હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતાની હત્યાના પ્રયાસ, અપહરણની કલમો હેઠળ પવઈ પોલીસે ગુનો નોંધ્યો હતો.
 
 
 
 


