ચૂંટણી વખતે ઉમેદવારી સમયે ગરીબ, પણ હવે નેતાજીએ ખરીદી બે મોંઘીદાટ ગાડી
મુંબઈઃ લોકસભાની ચૂંટણી પૂરી થઈ અને ચોથી જૂને પરિણામ જાહેર થયું. આ પરિણામમાં લાતુરમાંથી કૉંગ્રેસનો વિજય થયો, પરંતુ હાલમાં ચર્ચામાં છે બીજા એક ઉમેદવાર. આ ઉમેદવારનું નામ છે નરસિમ્હારાવ ઉદગીરકર અને તેઓ બહુજન વંચિત અઘાડીના ઉમેદવાર છે.
આ નેતાએ લોકસભાની ચૂંટણી 2024માં ઉમેદવારી નોંધાવી હતી અને ઉમેદવારીપત્ર ભરતા સમેય પોતાની મિલકત વાર્ષિક રૂ. 5 લાખ બતાવી હતી. નેતાજીએ પ્રચાર કર્યો અને પોતે સામાન્ય જનતામાંથી આવે છે, તેમ પણ કહ્યું. પણ હવે તો ચૂંટણી પૂરી થઈ ગઈ અને પરિણામ પણ આવી ગયા. ઉદગીરકર જીત્યા તો નહીં. લાતુર મતદાર સંઘમાં તેમને ત્રીજા ક્રમાંકે મત મળ્યા.
ત્યારે હવે ઉદગીરકરના દીકરા યોગેશની એક સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ છે અને નેટિઝન્સે તેમને બરાબરના ટ્રોલ કર્યા છે. યોગેશની પોસ્ટમાં તે અને પિતા નરસિમ્હારાવ દેખાય છે અને સાથે બે મોંઘીદાટ ગાડી. એક છે રેન્જ રોવર અને એક છે ફોર્ચ્યુનર. આ ગાડીની કિંમત લાખો કરોડોમાં હોય છે ત્યારે વર્ષે માત્ર રૂ. પાંચ લાખ કમાનારા વ્યક્તિએ આટલી મોંઘી ગાડી કઈ રીતે લીધી તેવા સવાલો નેટિઝન્સ કરી રહ્યા છે. અમુક તો તેમની ઉમેદવારીપત્રની વિગતો, સોગંદનામું પણ વાયરલ કરી રહ્યા છે.