મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ તેજ, શરદ પવારે એકનાથ શિંદે સાથે મુલાકાત કરી, શું છે તેનો અર્થ?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ રહી છે. તાજેતરના દિવસોમાં ઘણા નેતાઓ પાર્ટી લાઇનને કાપીને એકબીજાને મળતા જોવા મળ્યા છે, જેના કારણે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે.
નિષ્ણાતો માને છે કે નેતાઓ તેમના પક્ષને સંદેશો આપવા અથવા ભવિષ્યની રાજકીય શક્યતાઓ શોધવા માટે આવી બેઠકો કરી રહ્યા છે. દરમિયાન, એનસીપી (એસપી)ના વડા શરદ પવાર સીએમ એકનાથ શિંદેને તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલોમાં મળ્યા હતા. બંને વચ્ચે શું વાતચીત થઈ તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. તમને જણાવી દઈએ કે શરદ પવાર પહેલા મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે પણ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળ્યા હતા.
શરદ પવાર અને રાજ ઠાકરે સાથેની મુલાકાતો વાસ્તવમાં કોઈ સમસ્યાના નિરાકરણ માટે થઈ હતી કે નવી સમસ્યાના એંધાણ છે, એવી ચર્ચા ચાલી રહી છે. મહાયુતિની જેમ જ મહાવિકાસ આઘાડીમાં પણ અત્યારે બેઠકોની વહેંચણીની માથાકૂટ થવાની છે એ સ્પષ્ટ છે.
આ પણ વાંચો: વિધાનસભાની ચૂંટણીમાં શરદ પવાર આ લોકોને આપશે તક…
થોડા દિવસ પહેલાં જ એવા અહેવાલો ફરતા હતા કે શરદ પવાર બેઠકોની વહેંચણીના ફોર્મ્યુલાથી નારાજ છે અને કદાચ તેઓ એકલે પંડે ચૂંટણી લડવાનું વિચારી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકારણમાં કશું દેખાય એવું ન હોતું નથી. દર વખતે વિજય જ લક્ષ્ય નથી હોતો, અન્ય કોઈનો પરાજય પણ લક્ષ્ય હોઈ શકે છે. આવી કોઈ ગતિવિધિ ચાલી રહી છે કે નહીં એના પર જ બધાની નજર છે.
તમને જણાવી દઈએ કે જૂનમાં મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તેમના રાજકીય હરીફ ઉદ્ધવ ઠાકરે એક જ લિફ્ટમાં સાથે જોવા મળ્યા હતા. આ ‘ઘટના’ મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની હતી અને દરેકે અનુમાન લગાવવાનું શરૂ કર્યું હતું કે આ મિત્રોમાંથી દુશ્મન બનેલા નેતાઓએ એકબીજા સાથે શું વાત કરી હશે.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આડે માત્ર ત્રણ મહિના બાકી છે અને છ મુખ્ય રાજકીય પક્ષો મેદાનમાં છે. આવા સંજોગોમાં આવી બેઠકો, સંયોગો અને ગેરહાજરી રાજકીય પંડિતોમાં ચર્ચા વધારી રહી છે.
આ પણ વાંચો: વિધાનસભ્ય અપાત્રતા: શરદ પવાર જૂથની અરજી પર ‘સુપ્રીમ’ની અજિત પવાર જૂથને નોટિસ
પહેલેથી જ જટિલ રાજકીય પરિસ્થિતિમાં આવી મુલાકાતો વધુ જટિલ બનાવે છે. છેલ્લા એક મહિનામાં ઓછામાં ઓછા પાંચ એવા કિસ્સાઓ બન્યા છે કે નેતાઓ પાર્ટી લાઇનને કાપીને એકબીજાને મળ્યા છે, જે તેમના પોતાના પક્ષના લોકોમાં પ્રશ્ર્નો ઉભા કરે છે કે શું આ કોઈ મોટા પરિવર્તનના સંકેતો છે?
રાજકીય નિરીક્ષકે એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી મહારાષ્ટ્રની રાજકીય સંસ્કૃતિ એવી હતી કે કટ્ટર રાજકીય પ્રતિસ્પર્ધીઓ માટે પણ અંગત કાર્યક્રમોમાં અથવા સૌજન્યપૂર્ણ મુલાકાતો માટે એકબીજાને મળવાનું સ્વાભાવિક હતું.
છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં આ બદલાયું છે. બે પક્ષો તૂટી ગયા છે. ત્યાં ઘણી અસ્થિરતા અને પક્ષપલટાને અવકાશ છે. તેથી હવે સામાન્ય સભાઓ પણ નવું મહત્વ ધરાવે છે.