મહારાષ્ટ્રમાં મણિપુર જેવી,સ્થિતિ થશે: શરદ પવાર
થાણે: દેશના વિકાસ માટે સામાજિક એકતા આવશ્યક છે એમ જણાવતાં એનસીપી (એસપી)ના અધ્યક્ષ શરદ પવારે થાણેમાં એવી ભીતી વ્યક્ત કરી હતી કે મહારાષ્ટ્રમાં મણિપુર જેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે. જોકે, તેમને આવું કેમ લાગે છે તેની સ્પષ્ટતા તેમણે કરી નહોતી.
તેઓ થાણેમાં સામાજિક એકતા પરિષદને રવિવારે રાતે સંબોધી રહ્યા હતા.
મણિપુરમાં થયેલી વંશીય હિંસાને કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે હાથ ધરવામાં આવી હતી તેની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે ગયા વર્ષના મે મહિનાથી અત્યાર સુધીમાં આ હિંસામાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આપણા દેશના વિકાસ માટે અને અર્થતંત્રને મજબૂત બનાવવા માટે સામાજિક એકતા આવશ્યક છે. અત્યારની સ્થિતિ તંગ છે અને સમાજમાં પડી રહેલા ભાગલા ચિંતાજનક છે. દેશમાં વિસંવાદિતા વધી રહી છે અને તેને શાંત કરવા માટે જાતી, ધર્મ અને ભાષાથી ઉપર ઊઠીને એકતા આવશ્યક છે. સામાજિક એકતા જળવાઈ રહે તેની જવાબદારી સરકારની છે, એમ તેમણે કહ્યું હતું.
કમનસીબે સરકાર આ બધા મુદ્દાઓનું નિરાકરણ શોધવા માટે અસરકારક પગલાં લેવામાં નિષ્ફળ ગઈ છે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે સામાજિક સંવાદિતા જાળવી રાખવી અનિવાર્ય છે.
આ પણ વાંચો : લાવો કરોડ રૂપિયાઃ શરદ પવારનો બિઝનેસ પાર્ટનર બનાવીશ, કોન્સ્ટેબલ છેતરાયો
મણિપુરમાં ગયા વર્ષના માર્ચ મહિનાથી બહુમતી મેઈતેઈ સમાજ અને કુકી આદિવાસીઓ વચ્ચે મોટા પાયે હિંસા જોવા મળી રહી છે. મેઈતેઈ સમાજ દ્વારા આદિવાસી દરજ્જો મેળવવાની માગણીના વિરોધમાં આદિવાસી એકતા મોરચો કાઢવામાં આવ્યો હતો. પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અત્યાર સુધી મણિપુરની મુલાકાત ન લેવા બદલ ટીકા કરી હતી.
દરમિયાન ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ સોમવારે શરદ પવારની ઝાટકણી કાઢતાં તેમના નિવેદનને અયોગ્ય ગણાવ્યું હતું. તેમણે પવાર પર રમખાણો માટે ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
તેમણે (શરદ પવાર) જે ભાષાનો ઉપયોગ કર્યો છે તેનાથી રમખાણોને માટે ઉશ્કેરણી થઈ શકે છે, પરંતુ મહારાષ્ટ્રના લોકો સમજદાર છે અને તેઓ રમખાણો કરશે નહીં. કેટલાક લોકો સમાજો વચ્ચે ઝઘડો કરાવવાના અને આંદોલનો છેડવાના કામ કરી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઈ)