Pune Porsche કાંડઃ કંટ્રોલ રુમ અને સિનિયરને જાણ નહીં કરનારા પોલીસ સસ્પેન્ડ
મુંબઈઃ પુણે પોર્શ કાંડ (Pune Porsche Accident)માં તપાસ પછી એક પછી એક બેદરકારી છતી થઈ રહી છે. આ કેસમાં મહારાષ્ટ્રનું રાજકારણ પણ ગરમાયું છે ત્યારે આ કેસમાં સંબંધિત પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ બંને પોલીસ કર્મચારી ઘટના પછી ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ સિનિયર્સ અને કંટ્રોલ રુમને જાણ કરી નહીં હોવાનું જાણવા મળ્યું છે.
યેરવડા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીને પુણે કમિશનરે સસ્પેન્ડ કર્યાં છે. 19 મેના થયેલી દુર્ઘટના અંગે યોગ્ય સમયે જાણ કરી નહોતી. એટલું જ નહીં, કંટ્રોલ રુમને પણ જાણ કરી નહોતી. પ્રાથમિક માહિતી અનુસાર યેરવડા પોલીસ સ્ટેશનના બે કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 19મી મેની દુર્ઘટના અંગે સિનિયરને જાણ નહીં કરવા બદલ પોલીસ નિરીક્ષક રાહુલ જગદાળે અને એપીઆઈ વિશ્વનાથ ટોડકરીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
મહારાષ્ટ્રના પુણેના પોર્શ કાંડમાં પોલીસની સૌથી મોટી બેદરકારી બહાર આવી છે. પોર્શ કારથી બે જણને કચડી નાખવાની ઘટના પછી યેરવડા પોલીસ સ્ટેશનના બે પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ એની કંટ્રોલ રુમને જાણ કરી નહોતી. આ કેસમાં બંનેની સામે કાર્યવાહી કરવામાં આવશે એવું જણાવ્યું હતું.
આ બનાવ વખતે ઝોન-1ના ડીસીપી ગિલ નાઈટ રાઉન્ડ પર હતા, પરંતુ તેમને પણ બનાવની જાણકારી આપી નહોતી, કારણ કે બંનેએ કંટ્રોલ રુમને પણ માહિતી આપી નહોતી. પુણેમાં હિટ એન્ડ રન કેસ 19મી મેના બન્યો હતો. કલ્યાણની નગર વિસ્તારમાં રિયલ એસ્ટેટ ડેવલપર વિશાલ અગ્રવાલના 17 વર્ષના દીકરાએ પોતાની સ્પોર્ટસ કાર પોર્શથી બાઈકસવાર એન્જિનિયરને કચડી નાખ્યા હતા, જેમાં બંનેનું મોત થયું હતું. આ ઘટનાના 14 કલાક પછી પણ સગીર આરોપીને કોર્ટમાંથી અમુક શરતો સાથે જામીન આપવામાં આવ્યા હતા.