સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં એકથી વધુ વ્યક્તિની સંડોવણીની પોલીસને શંકા

મુંબઈ: બાંદ્રા પશ્ર્ચિમમાં સતગુરુ શરણ ઇમારતમાં ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં એકથી વધુ લોકો સંડોવાયેલા હોવાની શંકા પોલીસને જાગી છે. આ કેસમાં પોલીસે થાણેથી 30 વર્ષના બાંગ્લાદેશી શરીફુલ ફકીરની ધરપકડ કરી છે.
આરોપીની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી તેને શુક્રવારે મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે રિમાન્ડ એપ્લિકેશનમાં જણાવ્યું હતું કે સૈફ પર હુમલામાં એકથી વધુ વ્યક્તિ સંડોવાયેલી હોવાની શંકા છે, જે અંગે તપાસ કરવાની બાકી હોવાથી આરોપીની પોલીસ કસ્ટડી લંબાવી આપવાની માગણી કરી હતી.
આપણ વાંચો: સૈફ અલી ખાનના પિતા મન્સૂર અલી પટૌડી કેવા કપરા સંજોગોમાં ફરી ભારતના કૅપ્ટન બનેલા?
પોલીસ અધિકારીએ કહ્યું હતું કે બાંદ્રામાં 16 જાન્યુઆરીએ મળસકે સૈફ પર તેના જ ઘરમાં થયેલા હુમલા સમયે હાજર સૈફ અને તેના સ્ટાફના લોહીના નમૂના તેમ જ કપડાં પરીક્ષણ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે.
સૈફ પર હુમલાના કેસમાં પોલીસે 19 જાન્યુઆરીએ થાણેના ઘોડબંદર ખાતેથી બાંગ્લાદેશી શરીફુલ ઇલ્સામ શેહઝાદ મોહંમદ રોહિલા અમીન ફકીર ઉર્ફે વિજય દાસની ધરપકડ કરી હતી. કોર્ટે શરીફુલ ફકીરની પોલીસ કસ્ટડી 29 જાન્યુઆરી સુધી લંબાવી આપી હતી.
આપણ વાંચો: ‘સૈફ અલી ખાન પર હુમલો કરનાર મારો દીકરો નથી…’ આરોપીના પિતાનો દાવો
પોલીસે જણાવ્યું હતું કે આરોપી તપાસ ટીમને સહયોગ આપતો નથી. આરોપીએ ગુનામાં વાપરેલી છરી ક્યાંથી ખરીદી હતી તેની તપાસ ચાલી રહી છે. આરોપીનાં કપડાં પર લોહીના ડાઘ મળ્યા છે, જે લોહી સૈફનું છે કે કેમ તેની તપાસ કરવા માટે સૈફ અને આરોપીના લોહીના નમૂના અને કપડાં ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. ઉપરાંત સૈફના ઘરેથી મળેલી ફિંગરપ્રિન્ટ્સ આરોપી સાથે મળતી આવે છે કે કેમ તેની પણ તપાસ કરાઇ રહી છે.
દરમિયાન સૈફે શુક્રવારે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે આરોપીએ રૂ. એક કરોડની માગણી કરી હતી. તેણે ઇમારતમાં ઘૂસ્યા બાદ નૅની પર હુમલો કર્યો હતો. તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે છરીના ઘા ઝીંકી દીધા હતા. (પીટીઆઇ)