વીડિયો કૉન્ફરન્સિંગથી હાજર રહેવાની સમય રાઈનાની વિનંતી પોલીસે નકારી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોમેડી શો ‘ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટ’માં પ્રસિદ્ધ પોડકાસ્ટર અને યુટ્યૂબર રણવીર અલાહાબાદિયાએ માતા-પિતાને ઉદ્દેશીની કરેલી બીભત્સ ટિપ્પણીને પગલે થયેલા વિવાદ બાદ એફઆઈઆર નોંધનારી સાયબર પોલીસે પૂછપરછ માટે વીડિયો કૉન્ફરન્સિંગથી હાજર રહેવાની યુટ્યૂબર સમય રાઈનાની વિનંતી ફગાવી દીધી હતી, જ્યારે અલાહાબાદિયાને 24 ફેબ્રુઆરીએ નિવેદન નોંધાવવા હાજર રહેવાના સમન્સ મોકલાવ્યા હતા.
મહારાષ્ટ્ર સાયબર પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે એ વાતને સમર્થન આપ્યું હતું કે પોતાનું નિવેદન નોંધાવવા માટે સમય રાઈનાએ વીડિયો કૉન્ફરન્સિંગથી હાજર રહેવાની પરવાનગી માગી હતી. જોકે આ વિનંતી નકારી કાઢી મંગળવારે પોલીસ સમક્ષ હાજર થવાનું તેને કહેવામાં આવ્યું છે.
આપણ વાંચો: રણવીર અલાહાબાદિયાનો અશ્લીલ કમેન્ટવાળો વીડિયો યુટ્યુબ પર બ્લોક, સરકાર એક્શનના મૂડમાં…
આ કેસમાં સાયબર પોલીસે 50થી વધુ લોકોને પૂછપરછ માટે પોલીસ સમક્ષ હાજર થવાના સમન્સ પાઠવ્યા હતા. જોકે અત્યાર સુધી એક માત્ર એમટીવી ક્રિયેટર રઘુ રામ સાયબર પોલીસ સમક્ષ હાજર થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સાયબર પોલીસે જેમને સમન્સ મોકલાવ્યા છે તેમાં રાઈના, અલાહાબાદિયા, ઈન્ફ્લુએન્સર અપૂર્વા મખિજા, અન્ય કલાકારો, કોમેડિયન્સ, ઈન્ફ્લુએન્સર્સ, ક્ધટેન્ટ ક્રિયેટર્સ, યુટ્યૂબર્સ, ઍક્ટર્સ, સ્પર્ધકો અને રાઈનાના શોના આયોજકોનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: અશ્લીલ કોમેડી વિશે FIR નોંધાતા રણવીર અલાહાબાદિયાએ માગી માફી
સાયબર પોલીસે અગાઉ સમન્સ મોકલાવી રાઈનાને 18 ફેબ્રુઆરીએ હાજર રહેવાનું કહ્યું હતું. રાઈના વિદેશમાં હોવાથી તે 17 ફેબ્રુઆરીએ ભારત પાછો ફરશે, એવું રાઈનાની લીગલ ટીમે પોલીસને કહ્યું હતું. રાઈનાએ અગાઉ નિવેદન માટે હાજર થવા સાયબર પોલીસ પાસે વધુ સમય માગ્યો હતો. જોકે પોલીસે તેની આ વિનંતી પણ નકારી કાઢી હતી.
શોમાં અલાહાબાદિયાએ વડીલોને ઉદ્દેશીને કરેલા અશ્ર્લીલ પ્રશ્ર્ન બાદ વિવાદ વકર્યો હતો. આ શોની ચારેકોરથી ટીકા થઈ હતી. આ મામલે સૌપ્રથમ આસામ પોલીસે એફઆઈઆર નોંધ્યો હતો અને પછી મહારાષ્ટ્ર સાયબર પોલીસે.